2 કલાક પેહલા
- કૉપી લિંક
અભિનેતા સોનુ સૂદની આગામી ફિલ્મ ‘ફતેહ’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સાથે એક્ટરે ડિરેક્શનની દુનિયામાં પણ પ્રવેશ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સોનુ સૂદ સાથે જેક્લિન ફર્નાન્ડિઝ, નસીરુદ્દીન શાહ, શિવ જ્યોતિ રાજપૂત અને વિજય રાજ જેવાં સ્ટાર્સ જોવા મળશે.
ટ્રેલરની શરૂઆત નસીરુદ્દીન શાહના દમદાર અવાજથી થાય છે. તેઓ કહે છે- તમે અને હું એક એવી એજન્સીનો ભાગ હતા, જ્યાંથી અગાઉ એક ફોટો આવતો હતો અને પછી એક કૉલ. ક્યારેય પૂછ્યું નથી કે કોને અને કેમ મારવાનો છે? સારું ગણાય કે ખરાબ, બસ મારવાના જ હતા.
એ પછી સોનુ સૂદ વિસ્ફોટક એક્શન મોડમાં આવે છે. જેક્લિન કહે છે- ફતેહ, શું એ વિચાર છે કે સારા લોકો સાથે ખરાબ વસ્તુઓ નથી થતી? જવાબમાં સોનુ કહે છે- તમે જાણો છો કે ખરાબ સમયમાં ભગવાન પોતાના ભક્તોને એકલા નથી છોડતા. એ પછી નસીરુદ્દીન શાહ કહે છે- કોઈ સારા કે ખરાબ નથી હોતા, લોકો ફક્ત ‘કમનસીબ’ જ હોય છે. નોંધનીય છે કે 2.58 મિનિટના ટ્રેલરની ખાસ ટેગલાઇન છે ‘સારા લોકો સાથે ખરાબ તો નથી થતું’.
આ ફિલ્મ ડિજિટલ સિક્યોરિટી અને ઓનલાઈન ફ્રોડના વિષય પર આધારિત છે. આ ફિલ્મ એક ભૂતપૂર્વ સ્પેશિયલ ઓપરેશન ઓપરેટિવ વિશે છે, જે સાયબર ક્રાઈમ સિન્ડિકેટના ઊંડાણમાં ઊતરે છે. ‘ફતેહ’ એક હૃદયસ્પર્શી ફિલ્મ છે, જે ડિજિટલયુગનાં ઘેરાં રહસ્યોને ઉજાગર કરે છે. ફિલ્મની એક્શન સિક્વન્સ હોલિવૂડના ટેક્નિશિયન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
સાયબર ક્રાઈમની પૃષ્ઠભૂમિ પર બનેલી ‘ફતેહ’ ડિજિટલયુગના પડછાયામાં ડૂબકી લગાવે છે, જ્યાં જોખમો એટલાં જ છે જેટલી એક્શન. સોનુ સૂદ ભૂતપૂર્વ સ્પેશિયલ ઑપ્સ ઑફિસરની ભૂમિકા ભજવે છે, જેની પાસે સારી કુશળતા, કાળો ભૂતકાળ છે અને ડિજિટલ આતંકના વિશાળ નેટવર્કને દૂર કરવાનું મિશન ધરાવે છે. ટ્રેલરમાં એક આકર્ષક વાર્તા દર્શાવવામાં આવી છે, જેમાં એક ગુમ થયેલી મહિલા એક મોટા યુદ્ધની ચિનગારી બની જાય છે. આ ફિલ્મમાં હાથોહાથની લડાઈ, ગોળાબારી અને અડગ સંકલ્પ સાથેની લડાઈ જોવા મળશે.
સોશિયલ મીડિયા પર આ ફિલ્મના ટ્રેલરને લઈને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર જોઈને કેટલાક લોકો સોનુ સૂદને અભિનંદન આપી રહ્યા છે તો કેટલાકે લખ્યું છે કે- તેઓ ફિલ્મની રાહ જોશે.
આ ફિલ્મ ‘શક્તિ સાગર પ્રોડક્શન’ના બેનર હેઠળ ઝી સ્ટુડિયો અને સોનાલી સૂદ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.