વડોદરાઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભના આયોજનની જાહેરાત કરાઈ છે.જેમાં મહત્તમ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે સ્કૂલોને ફરજિયાત રજિસ્ટ્રેશનનો આદેશ આપવામાં આવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે તા.૨૫ ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશનની સમય મર્યાદા રાખવામાં આવી છે.વડોદરા ડીઈઓ કચેરી અને પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારીએ તમામ સ્કૂલોને રજિસ્ટ્રેશન બાદનો રિપોર્ટ સબંધિત અધિકારીઓને મોકલી આપવા માટે આચાર્યોને આદેશ આપ્યો છે. સ્કૂલોના આચાર્યો અને શિક્ષકો હવે રજિસ્ટ્રેશન કરાવવામાં વ્યસ્ત છે.જેથી ખેલ મહાકુંભમાં મહત્તમ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે તેવો દાવો સરકાર કરી શકે.
એક આચાર્યે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, શહેર અને જિલ્લાની સૈેંકડો સ્કૂલો એવી છે જેની પાસે મેદાન જ નથી અને ઘણી સ્કૂલો પાસે પીટી શિક્ષકો પણ નથી.ગ્રાન્ટેડ સ્કૂલોમાં તો પીટી શિક્ષકોની ભરતી જ બંધ છે.આવા સંજોગોમાં પણ સ્કૂલો પાસે મહત્તમ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનનો આગ્રહ રખાઈ રહ્યો છે.મેદાનના અભાવે કેટલીક સ્કૂલોમાં જ સ્પર્ધાઓ યોજી શકાય છે અને અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓએ પણ તેમાં જ ભાગ લેવા જવું પડે છે.
ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભમાં શાળા કક્ષા બાદ તાલુકા, ઝોનલ કક્ષાએ અને એ પછી જિલ્લા અથવા મહાનગર પાલિકા સ્તરે એ છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજાશે.ખેલા મહાકુંભમાં અન્ડર-૯, અન્ડર-૧૧, અન્ડર-૧૪ અને અન્ડર-૧૭ કેટેગરીમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.