છોટાઉદેપુર-નસવાડી તા.૨૪ છોટાઉદેપુર તાલુકાના મોટીસઢલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે સ્ટાફ નર્સે ગામની એક મહિલાની નોર્મલ પ્રસૂતિ કરાવતા મહિલાની તબિયત લથડયા બાદ એમ્બ્યુલન્સની પણ સુવિદ્યા નહી મળતાં મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે મોટીસઢલી ગામમાં રહેતી દક્ષાબેન રાઠવાને પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા તેમને રાત્રે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતાં. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નહી હોવાથી હોસ્પિટલની નર્સે મહિલાની પ્રસૂતિ કરાવતા સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ મહિલાના શરીરમાંથી વધુ લોહીં વહી જતા સ્ટાફ નર્સ દ્વારા સારવાર કરવામાં આવી હતી પરંતુ લોહીં વધારે વહી જવાના કારણે મહિલાની તબિયત વધુ લથડી હતી અને નર્સે મહિલાને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં રીફર કરવાનો નિર્ણય લીધો હતો.
નર્સે ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો પરંતુ એમ્બ્યુલન્સ મોટીસઢલી ગામે સમયસર પહોંચી નહી શકતાં મહિલાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ મોત નિપજ્યું હતું. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ હતી પરંતુ તેમાં ઓક્સિજનની સુવિદ્યા નહી હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવાની ફરજ પડી હતી પરંતુ તે પણ મોડી પહોંચતા એક મહિલાએ જીવ ગુમાવવો પડયો હતો. આ ઘટના બાદ મહિલાના પરિવારજનો ઉશ્કેરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફ નર્સ ઉર્વી ચૌહાણે જણાવ્યું હતું કે મહિલા અહીથી જવા માટે તૈયાર ન હતી. આમ છતાં તેની સારવાર કરવામાં આવી હતી પરંતુ તેનું મોત થયું હતું.