અમદાવાદ,મંગળવાર,24 ડિસેમ્બર,2024
એલિસબ્રિજના ધારાસભ્યે જમાલપુરમાં ૨૦૦ કરોડની જમીન ઉપર
ગેરકાયદેસર કબાડી માર્કેટ બનાવી દેવાયાના તથા જમાલપુરની મ્યુનિ.શાળા-૩-૪ની
જગ્યામાં ગેરકાયદેસર કોમ્પલેકસ બનાવી દેવામા આવ્યુ હોવાનો આક્ષેપ કર્યા પછી
જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ખાડીયામાં તથા કોટ વિસ્તારમા આવેલા
હેરીટેજ મકાનો ભાજપના સ્થાનિક નેતાઓની રહેમનજર હેઠળ તોડી ૪થી ૫ માળના ફલેટ બનાવી
દેવાયા હોવાનો આક્ષેપ કર્યો છે.મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆતમાં જમાલપુરના
ધારાસભ્યે મધ્યઝોનના રાજકીય નેતાઓના પાપે અમદાવાદ હેરીટેજ સીટીનો દરજજો ગુમાવી
બેસશે એવો ઉલ્લેખ કર્યો છે.
અમદાવાદના જમાલપુર વોર્ડને લઈ બે દિવસથી રાજકીય ધમાસાણ ચાલી
રહયુ છે. એલિસબ્રિજના ધારાસભ્યે કરેલા આક્ષેપ પછી જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન
ખેડાવાલાએ લેટર બોમ્બ ફોડયો છે.આ ધારાસભ્યે મ્યુનિસિપલ કમિશનરને કરેલી લેખિત
રજૂઆતમાં ખાડીયા તેમજ કોટ વિસ્તાર તેમજ મધ્યઝોનમાં ૨૮૦૦ જેટલી હેરીટેજ મિલકતો
આવેલી હોવાનો ઉલ્લેખ કર્યો છે. અમદાવાદને વર્ષ-૨૦૧૭માં વૈશ્વિક હેરીટેજ સીટીનો
દરજજો યૂનેસ્કો તરફથી આપવામા આવેલો છે. આ દરજજો જે પ્રમાણે ખાડીયા વોર્ડ તેમજ કોટ
વિસ્તારમાં આવેલી હેરીટેજ ઈમારતો,મકાનો
તોડી પાડીને સ્થાનિક રાજકીય આગેવાનો ફલેટ બનાવી રહયા છે એના કારણે આ ઐતિહાસિક
વારસો આપણે આવનારા સમયમાં જાળવી શકીશુ નહીં એવો ભય વ્યકત કર્યો છે. મધ્યઝોનમાં
આવેલી તમામ હેરીટેજ ઈમારતો જેવી કે હવેલીઓ,
મકાન,મસ્જિદ, મંદિર ચર્ચ
વગેરેનો સર્વે કરી તેની જાળવણી કરવી જોઈએ.
કયા-કયા હેરીટેજ મકાનો તોડી પડાયા
જમાલપુર-ખાડીયાના ધારાસભ્યએ કરેલા આક્ષેપ મુજબ,સીટી સર્વે
નંબર-૨૨૨૦, હવેલીની
પોળ,મદન
ગોપાળની હવેલી રોડ,ખાડીયા
ઉપરાંત ખાડીયામા આવેલી દેસાઈની પોળની અંદર
આવેલી બે હવેલી તોડી પાડીને ચાર-ચાર માળના ફલેટ બનાવી દેવામાં આવ્યા છે.જેમાં
સુંદરમ ફલેટ તથા અખા સ્મૃતિ ફલેટનો સમાવેશ થાય છે.
મદન ગોપાળ હવેલી રોડ ઉપર બાંધકામ બંધ કરવા નોટિસ અપાઈ છે
મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ૨૦
સપ્ટેમ્બર-૨૪ના રોજ મદન ગોપાળ હવેલી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ
લેખિત મંજુરી લીધા સિવાય ગ્રાઉન્ડ ફલોરથી
થર્ડ ફલોર સુધી બાંધકામ કરવામા આવેલુ હોવાથી બિન પરવાનગીનુ આ બાંધકામ દુર
કરવા તથા ચાલુ બાંધકામ બંધ કરવા
એસ.બી.બિલ્ડર્સના પ્રોપરાઈટર અમીત ભાલચંદ્ર પરીખ તથા અન્યોને નોટિસ આપવામા આવી છે.
દેસાઈની પોળના ફલેટમાં ભાજપના વોર્ડ પ્રમુખ રહે છે
ખાડીયામાં સૌથી વધુ હેરીટેજ મિલકત
દેસાઈની પોળમાં આવેલી છે.આ પોળમાં બિલ્ડર દ્વારા ફલેટ પ્રકારનુ બાંધકામ કરવામા
આવ્યુ છે.આ ફલેટમાં વોર્ડ ભાજપના પ્રમુખ પણ રહેતા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.