વડોદરા, તા.24 વારસિયા વિસ્તારના નામચીન ખંડણીખોર ઓમપ્રકાશ ઉર્ફે ઓમી પંજાબી તેમજ તેના ક્રિકેટ સટ્ટો રમાડતા સાગરીતોએ વેપારી પાસે ત્રણ લાખની ખંડણી વસૂલી છતાં વધુ રકમની માંગણી કરતા આખરે વેપારીએ ઓમપ્રકાશ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી.
વારસિયા વિસ્તારમાં ઇન્દ્રલોક ટાઉનશીપમાં રહેતા મોહિત અનિલકુમાર ફુલવાણીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ઓમપ્રકાશ ઉર્ફે ઓમી જગદીશ પંજાબી, વિનોદ ઉર્ફે વિનુ ટકલો લક્ષ્મણદાસ કિનરા, ગિરીશ ઉર્ફે ગીનું અશોકકુમાર વિધવાની અને અજય વિજય માત્રા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં હું સુપર બેકરીમાંથી બ્રેડ મેળવી તેનો વેપાર કરું છું. વર્ષ-૨૦૨૨માં વારસિયા શીવ વાટિકા સામે ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ નામે હું ધંધો કરતો હતો પરંતુ છેલ્લા છ માસથી બંધ કરી દીધો છે.
વર્ષ-૨૦૦૨૩માં મેં અજય વિજય માત્રા પાસેથી ઓનલાઇન આઇડી લીન્ક રૃા.૫૦ હજારમાં લઇ ક્રિકેટ સટ્ટો રમતો હતો ત્યારે હું અજય પાસેથી રૃા.૬ લાખ જીત્યો હતો. હારજીતના નાણાંની દર સોમવારે લેવડ દેવડ થતી હતી. તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સાંજે અજય મારી દુકાન પર આવીને છ લાખ આપી જતો રહ્યો હતો અને બાદમાં એક કલાક પછી પરત આવી તું મારી સાથે ચિંટિંગ કરીને પૈસા જીત્યો છે તેમ કહી રાત્રે ભાઇનો ફોન આવી જશે તું તેમની સાથે વાત કરી લેજે તેમ કહી જતો રહ્યો હતો.
બીજા દિવસે બપોરે ઓમપ્રકાશ તેમજ તેના બે સાગરીતો મારી દુકાન પર આવીને રિક્ષામાં મારું અપહરણ કરીને લઇ ગયા હતાં. રિક્ષામાં મને ખૂબ માર મારી રૃા.૯ લાખ મારે જોઇએ તેમ કહી ખંડણી માંગી હતી. મેં બીજા દિવસે તેને રૃા.૩ લાખ આપ્યા હતાં અને બાકીની રકમ હપ્તાથી ચૂકવીશે તેમ કહ્યું હતું. થોડા સમય બાદ અજય માત્રાનો ફોન આવ્યો હતો અને મારે તારી પાસેથી રૃા.૬ લાખ લેવાના નીકળે છે તેમ કહી ધમકી આપી મારી પાસેથી સિક્યુરિટિ પેટે કોરો ચેક લીધો હતો અને તેને કુલ રૃા.૫.૬૨ લાખ ચૂકવ્યા હતાં. તાજેતરમાં અજય ઉર્ફે પાણી આહુજાએ ઓમપ્રકાશ સામે ફરિયાદ કરતા મારામાં પણ હિંમત આવી છે. ઉપરોક્ત વિગતોના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.