Ahmedabad Iskon Temple : એસજી હાઇવે પર આવેલા સુપ્રસિઘ્ધ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇન વોશ અને પ્રભાવમાં છેલ્લા છ મહિનાથી લાપતા બનેલી પોતાની પુત્રીની ભાળ મેળવવા એક નિવૃત્ત આર્મીમેન પિતાએ ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા છે. અરજદારે તેમની પુત્રીને જાનનું જોખમ હોવાની અને તેને નિયમિત રીતે ગાંજો-ડ્રગ્સ અપાતુ હોવા સહિતના ગંભીર આક્ષેપો પણ અરજીમાં કર્યા છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા ઘ્યાને લઇ લાપતા યુવતીને અદાલત સમક્ષ હાજર કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વઘુ સુનાવણી તા.9મી જાન્યુઆરીએ રાખી છે.
યુવતીને હાજર કરો : સરકાર, અમદાવાદ પોલીસ કમિશનરને નોટિસ
વઘુમાં, જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરની ખંડપીઠે રાજય સરકાર, શહેર પોલીસ કમિશનર, મેઘાણીનગર પોલીસ મથકના પીઆઇ, ઇસ્કોન સાથે સંકળાયેલા નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુની ઉર્ફે નિર્મોઇ મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, હરિશંકરદારસ મહારાજ, અક્ષયતિથિ કુમારી, મોહિત પ્રભુજી મહારાજ અને કોર્પસ વિરુદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી છે.
આ પણ વાંચો: ભરૂચમાં બળાત્કારના આરોપીને જામીન, બહાર આવીને 71 વર્ષની વૃદ્ધા સાથે બીજી વાર દુષ્કર્મ
બ્રેઇન વોશ કર્યું હોવાથી પૂજારી સાથે ભાગી ગઇ
અરજદાર પિતા દ્વારા કરાયેલી હેબીયર્સ કોર્પસ અરજીની સુનાવણી દરમિયાન એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, એસજી હાઇવે પર આવેલા સુપ્રસિઘ્ધ ઇસ્કોન મંદિરમાં તેમની પુત્રી દર્શન અને પૂજા-ભકિત માટે નિયમિત રીતે જતી હતી. તે દરમિયાન તેણી ઇસ્કોન મંદિરના ઉપરોકત પૂજારીઓના સંપર્કમાં આવી હતી. ઇસ્કોન મંદિરના ઉપરોકત પૂજારીઓએ અરજદારની પુત્રીનું સંપૂર્ણપણે બ્રેઇન વોશ કરી દીધું હતું અને તેઓના પ્રભાવમાં લઇ લીધી હતી. જેને પગલે ગત 27 જૂન 2024ના રોજ અરજદારની પુત્રી ઘરેથી 23 તોલા સોનુ અને રૂ.3.62 લાખ રોકડા લઇ મંદિરના એક પૂજારી સાથે ભાગી ગઇ હતી.
મારી પુત્રીને નિયમિત રીતે ડ્રગ્સ અને ગાંજો અપાય છે
અરજદાર પિતાએ અરજીમાં ગંભીર આક્ષેપો કર્યા હતા કે, તેમની પુત્રી મંદિરના પૂજારીઓની ગેરકાયદે કસ્ટડી અને કેદમાં જ છે અને તેઓ દ્વારા તેમની પુત્રીને નિયમિત રીતે ડ્રગ્સ અને ગાંજો અપાઇ રહ્યો છે. જેના કારણે તેણીના જીવનુ જોખમ બન્યું છે. આ સમગ્ર મામલે અરજદાર પિતાએ મેઘાણીનગર પોલીસથી લઇ સોલા પોલીસમથક, શહેર પોલીસ કમિશનર સહિત સંબંધિત સત્તાવાળાો સમક્ષ વારંવાર રજૂઆત અને અરજ કરી હોવાછતાં પોલીસ દ્વારા પણ તેમની પુત્રીને શોધવાના કોઇ અસરકારક પ્રયાસો કરાયા નથી, જેના કારણે આટલા મહિનાઓ બાદ પણ તેમની પુત્રીની ભાળ સુદ્ધાં મળી નથી.
આ પણ વાંચો: આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024નો થશે શુભારંભ, જાણો 7 દિવસના કાર્યક્રમો વિશે
સુંદરમામાએ પૂજારી સાથે અરજદારની પુત્રીને પરણાવી દેવા માંગ કરી હતી
અરજદારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, મંદિરના પૂજારી સુંદર મામાએ તેમના એક શિષ્ય સાથે અરજદારની પુત્રીને પરણાવી દેવા હુકમ પણ કર્યો હતો.જો કે, અરજદારે ના પાડી હતી કે, તેઓએ તેમના સમાજમાં તેમની દિકરીને પરણાવવાની હોય છે. એ પછી તેમને ધમકીઓ મળી હતી અને આખરે મથુરાના એક શિષ્ય સાથે તેમની પુત્રીને ભગાડી દેવાઇ હતી.
પૂજારીઓ કહેતા કે, તેઓ કૃષ્ણ સ્વરૂપ છે અને 600 યુવતીઓ ગોપી
અરજદાર પિતાએ એવા પણ આક્ષેપ કર્યા કે, ઇસ્કોન મંદિરમાં યુવતીઓનું બ્રેઇન વોશ કરાય છે અને ધર્મના નામે આડંબર ચાલી રહ્યો છે. સુંદર મામા સહિતના પૂજારીઓ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું એટલી હદે બ્રેઇન વોશ કરે છે કે, માત-પિતા કરતાં પણ ગુરુ મહત્ત્વના છે અને મંદિરમાં રહેતી 600 યુવતીઓ ગોપી છે અને તેઓ કૃષ્ણ સ્વરૂપે છે તેવું માનવા મજબૂર કરે છે.