સુરત મહાનગરપાલિકા કમિશ્નર તરીકે ચાર્જ લીધા બાદ શાલીની અગ્રવાલે રસ્તા પર નડતરરુપ અથવા ગેરકાયદે બનતાં 9 જેટલા ધાર્મિક સ્થળો દુર કરી દીધા હતા. જેમાં સોમવારે મોડી રાત્રીથી મંગળવારે વહેલી સવાર સુધી કામગીરી કરીને લંબેહનુમાન રોડ પર મેટ્રોની કામગીરી માટે નડતરરુપ એક ધાર્મિક સ્થળ ( દરગાહ) હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. પાલિકાએ 200 પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત વચ્ચે રાત્રીના 12 વાગ્યે લંબે હનુમાન રોડ દરગાહ નું ડિમોલીશન કર્યું હતું. ડિમોલીશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર પોલીસ અધિકારી સાથે એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કક્ષાના અધિકારીને પણ હાજર રખાયા હતા.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તા વચ્ચે ગેરકાયદે 303 થી વધુ ધાર્મિક સ્થળો છે તેમાંથી માંડ ત્રીસેક જેટલા ધાર્મિક સ્થળ દુર કરવામાં આવ્યા છે. રસ્તા વચ્ચે બનાવી દેવામાં આવેલા ધાર્મિક સ્થળોને દુર કરવા માટે પાલિકા તંત્ર લાચાર છે. જોકે, શાલિની અગ્રવાલે સુરત મ્યુનિ. કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ અત્યાર સુધીમાં નવ જેટલા ધાર્મિક સ્થળે જો ટ્રાફિક માટે ન્યુસન્સરુપ હોવા સાથે પાલિકાની જગ્યા કે રોડ પર બનેલા હોય તેને કડકાઈથી દૂર કરાવી દીધા હતા તેમાં ગઈકાલે મોડી રાત્રે વધુ એક ધાર્મિક સ્થળનું ડિમોલીશન કરીને 10 ધાર્મિક સ્થળ હટાવી દેવામાં આવ્યા છે.
થોડા સમય પહેલાં સુરતના રીંગરોડ ની વચ્ચોવચ બનેલી દરગાહ ટ્રાફિક માટે ન્યુસન્સરુપ હતી આ દરગાહ ના કારણે અનેક અકસ્માત થયાં છે પરંતુ પાલિકા તંત્ર આ દરગાહ હટાવી શકી ન હતી. શાલિની અગ્રવાલે હિંમત કરીને રાત્રીના સમયે આ દરગાહ સાથે બ્રિજના છેડે બનેલું એક નાનું મંદિર પણ દુર કરી દીધું હતું અને રાતોરાત રોડ પણ બનાવી દીધો હતો.
આવી જ રીતે સોમવારે રાત્રીના 12 વાગ્યે પાલિકાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લંબે હનુમાન રોડ પર પહોચી હતી. વરાછા એ ઝોન વિસ્તારમાં લંબેહનુમાન રોડ પર મેટ્રોને નડતરરુપ એક દરગાહ હતી તે દરગાહને દુર કરવા માટેની કામગીરી પાલિકાએ કરી હતી. રાત્રીના 12 વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી સતત ડિમોલિશનની કામગીરી ચાલી હતી. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહી બને તે માટે સુરત ૨૦૦ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી સહિતના સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના 4-ડે.ઈજનેર, 8 આસી.ઈજનેર, 8-સુપરવાઈઝર, 10 ટેકનીકલ આસીસ્ટન્ટ સાથોસાથ ઝોનના પાણી વિભાગ, ડ્રેનેજ વિભાગ, રોડ વિભાગના સ્ટાફ સહિત કુલ-૦૪ જે.સી.બી., 9 ટ્રક, 30-બેલદાર તથા અન્ય સામ્રગી સાથે કુલ 980 ચો.ફૂટમાં બાંધકામ દુર કરવામાં આવ્યું હતું.
ડિમોલીશન ની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા મોનીટરીંગ તથા વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સ્થળ પર એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કક્ષાના અધિકારીને સમગ્ર કામગીરી દરમિયાન સ્થળ પર હાજર રાખવામાં આવ્યા હતા.
સુરત પાલિકા કમિશનરે અત્યાર સુધીમાં 10 જેટલા ધાર્મિક સ્થળો દુર કરી દીધા છે. જોકે, હજુ પણ શહેરમાં 150થી વધુ ધાર્મિક સ્થળો એવા છે જે લોકો માટે તથા ટ્રાફિક માટે ન્સુસસ રુપ બની રહ્યાં છે તે દુર કરવા પાલિકા માટે મોટો પડકાર છે.,
અત્યાર સુધીમાં આ ધાર્મિક સ્થળો દૂર કરાયા છે
રાંદેર ઝોન: બ્રિજના રોડ વચ્ચે આવતી નાની ડેરી
સેન્ટ્રલ ઝોન: રીંગરોડ દરગાહ અને મંદિર
લિંબાયત ઝોન: ટીપી રોડ પર બનેલું હનુમાનજી મંદિર- ગેરકાયદે બની રહેલી મસ્જીદ
અઠવા ઝોન: કોમન પ્લોટમાં બનતું દેરાસર
ઉધના ઝોન: પાલિકાના પ્લોટમાં મંદિર બનતું મંદિર
વરાછા બી ઝોન: મોટા વરાછામાં ટીપી રોડ પર બની રહેલું મંદિર
વરાછા એ ઝોન લંબે હનુમાન રોડ પર મેટ્રોને નડતરરુપ દરગાહ