Dog Bite Incident : વડોદરાના ડભોઈમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યાનો મામલો સામે આવ્યો છે. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે બે દિવસમાં હડકાયા શ્વાને 10 લોકોને બચકા ભર્યા હોવાની જાણકારી મળી છે. હડકાયા શ્વાનના આતંક વચ્ચે ગામમાં ભયનો માહોલ છવાયો છે. ગ્રામજનો પોતાના બચાવ માટે લાકડીઓ લેવા મજબૂર બન્યા છે. જ્યારે શ્વાનના કરડવાથી ઈજાગ્રસ્ત થયેલા ગ્રામજનોએ વડદોરા અને ડભોઈની હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બીજી એક ઘટના જામકંડોરણામાં શ્વાને હુમલો કરતા 7 વર્ષના બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
બે દિવસમાં 10 લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા
ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. ગામની એક મહિલાને શ્વાને બચકું ભરતા મહિલાએ બૂમાબૂમ કરી હતી, એટલામાં પરિવારના સભ્યો બચાવવા આવ્યા તો તેમને પણ શ્વાને બચકા ભર્યા હતા. ગામના કુલ 10 લોકોના હાથ-પગ, મો સહિતના ભાગે શ્વાને બચકા ભર્યા હોવાથી ગ્રામજનોમાં ભય વર્તાય રહ્યો છે.
આ પણ વાંચો: સિવિલના ડોક્ટરોએ બાળકની સર્જરી કરી શ્વાસ નળીમાંથી સિસોટી કાઢી, શ્વાસ લેતી વખતે અવાજ આવતો
ગામમાં હડકાયા શ્વાનને કારણે ગ્રામજનોને ઘરની બહાર જવું મુશ્કેલ બન્યું છે, ત્યારે ઘર આંગણે કે ગામમાં જતી વખતે ગ્રામજનોએ સ્વ-બચાવ માટે લાકડી લઈને જવું પડી રહ્યું છે. જ્યારે હાથ, પગ, મો સહિત શરીરના ભાગોમાં શ્વાન કરડવાથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે ડભોઈ અને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જામકંડોરણામાં શ્વાન બચકા ભરતા 7 વર્ષના બાળકનું મોત
જામકંડોરણામાં ત્રણ બાળકો કુદરતી હાજતે જઈ રહ્યા હતા. આ દરમિયાન શ્વાને હુમલો કરતા એક બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ પછી તાત્કાલિક બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ગઈ ગયા હતા. પરંતુ સારવાર પહેલા જ 7 વર્ષના રવિ નામના બાળકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો.