Surat News: સ્માર્ટ સિટી કહેવાતા સુરતના તંત્રની સ્માર્ટનેસનો પરિચય કરાવતી એક ઘટના સામે આવી છે. સુરત શહેરના ફાલસાવાડી વિસ્તારના એક રસ્તા પર લગાવેલા વિસ્તાર દર્શાવતા ઇન્ડિકેટરમાં ભયંકર ભૂલ છે. આ બોર્ડ પર વિસ્તારના નામ લખ્યા છે. ભાગળ ચોક, અમરોલી, કતારગામ-વેડ અને ત્રીજું બોર્ડ છે જેના પર લખ્યું છે અમદાવાદ રેલવે સ્ટેશન. આશ્ચર્ય પમાડે તેવા આ બોર્ડના કારણે સુરતના લોકો પણ દુવિધામાં મૂકાઈ જાય છે અને તંત્રની કામગીરીની મજાક ઉડાવે છે.
આ પણ વાંચો: સાબરડેરીમાં બોઇલર સાફ કરતી વખતે ગૂંગળામણથી એકનું મોત, બે કામદારોની હાલત ગંભીર
જે સુરત મહા નગરપાલિકાને શહેરમાં મૂકેલા રોડ ઇન્ડિકેટર માટે ખિતાબ મળ્યો હતો, તેજ પાલિકાની બેદરકારી છતી થઈ છે. આ રસ્તા પરથી પસાર થનારા વાહન ચાલકો પણ બે ઘડી આ ઇન્ડિકેટર જોઈને કયાં જવું તે વિચારતા થઈ જાય છે. કોઈ વાહન ચાલકને કયાંક લાગશે કે હું ભૂલથી અમદાવાદ તો નથી પહોંચી ગયો ને? તો કોઈને લાગશે કે, હાશ હવે અમદાવાદનું રેલવે સ્ટેશન નજીક આવી ગયું છે.
આ ઇન્ડિકેટરના ફોટો અને વીડિયો પણ વાયરલ થયા છે. જેના કારણે લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર પોતાની આ ભૂલ ક્યારે સુધારે છે.