રાજ્યના વિવિધ વિસ્તારો સહિત વડોદરા શહેરમાં હવામાનમાં અણધાર્યો પલટો આવ્યો છે. ચાલુ સપ્તાહે અલગ અલગ દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ ગઈકાલ સાંજથી શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તો બીજી તરફ આવતીકાલે વડોદરામાં કમોસમી માવઠું થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યના અનેક શહેરોમાં હવામાનમાં અણધાર્યો પલટો આવ્યો છે. હવામાન વિભાગે વિવિધ શહેરોમાં આજે અને આવતીકાલે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વેગીલા પવનો ફૂંકાઈ શકે તેવા પણ સંકેત આપવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે વડોદરામાં કમોસમી માવઠું થઈ શકે તેમ છે. વડોદરા ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર, સોમનાથ, કચ્છ અને દીવમાં આવતીકાલે કમોસમી માવઠું થાય એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
વડોદરાની વાત કરીએ તો ગઈકાલ સાંજથી વાદળછાયું વાતાવરણ સર્જાતા વડોદરા શહેરમાં તાપમાનનો પારો પણ નોંધપાત્ર ઉપર ગયો છે. શહેરમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૪થી વધી 19 ડિગ્રીએ પહોંચી ગયો છે. આમ વડોદરા શહેરમાં એક જ દિવસમાં તાપમાનના પારામાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો છે. જેના કારણે ઠંડી ઘટી છે તો બીજી તરફ આવતીકાલે જો કમોસમી માવઠું થાય છે તો તેના કારણે તાપમાનનો પારો ફરી એક વાર ગગડી શકે છે. સાથોસાથ પરમ દિવસ એટલે કે શનિવારથી આકાશ ખુલ્લું થવાની સાથે ફરી એકવાર ઠંડીનો ચમકારો શહેરીજનોને અનુભવશે.
ધોરીમાર્ગ પર વિઝિબિલિટી નોંધપાત્ર ઘટી, વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં ધુમ્મસીયો માહોલ
વડોદરા શહેરમાં કમોસમી માવઠાની શક્યતા વચ્ચે હવામાનમાં અણધાર્યો પલ્ટો આવ્યો છે. આજે દિવસ દરમિયાન ધુમ્મસીયુ વાતાવરણ રહ્યું હતું. સવારથી શહેરના તમામ વિસ્તારમાં ધુમ્મસ રહેતા વિઝિબિલિટી ઘટી હતી. વરસાદની શક્યતા પૂર્વે શહેરમાં આજે ધુમ્મસની ચાદર પથરાઈ હતી. ખાસ કરીને શહેરની છેવાડે આવેલા હાઇવે માર્ગ પર વિઝિબિલિટી ઘટતા ભારદારી વાહનોએ પોતાના વાહનો ધીમે હંકારવા પડતા હતા. જ્યારે આકાશ ખુલ્લું થશે અને સુરજના દર્શન થશે તે બાદ ધુમ્મસનું પ્રમાણ ઘટે તેવું અનુમાન મનાઈ રહ્યું છે.