રાજકોટ શહેરની સબ રજીસ્ટ્રાર કચેરી-ઝોન 1માં કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી કરતાં કર્મચારીએ અગાઉ નોકરી કરી ચૂકેલા શખ્સે અન્ય બે શખ્સો સાથે મળી પૂર્વયોજીત કાવતરુ રચી કચેરીના કોમ્પ્યુટરમાં રહેલા હસ્તલેખિત 1956થી 1972ના વર્ષના 17 દસ્તાવેજોમાં છેડછાડ કરી
.
ફરિયાદના પખવાડિયા પછી મુખ્ય સૂત્રધાર ઝડપાયો રાજકોટ સબ રજીસ્ટર ઝોન-1 માં સબ રજીસ્ટર તરીકે ફરજ બજાવતાં અતુલભાઈ મધુભાઈ દેસાઈએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હર્ષ સાહલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ડી ચાવડાનું નામ આપતાં પ્રદ્યુમનનગર પોલીસે આઈપીસી 420, 464, 467, 468 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અગાઉ જયદીપ ઝાલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ આજે ફરિયાદ થયાના પખવાડિયા પછી પોલીસ દ્વારા મુખ્ય આરોપી હર્ષ સોનીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ફરિયાદ થયાથી આજદિન સુધી આરોપી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અલગ-અલગ શહેરોમાં નાસતો ફરતો હોવાનું સામે આવ્યું છે. જયારે અન્ય એક આરોપી કિશન ચાવડા તેની સાથે હોવાની પોલીસને શંકા હતી પરંતુ, તે હજુ સુધી મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને હવે આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ અર્થે આવતીકાલે આરોપી હર્ષ સોનીને 10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ત્રણ લોકોની ટોળકીએ મળીને રચ્યું આખુ કારસ્તાન પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપી હર્ષ સોની ત્રણ વર્ષ પહેલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોકરી કરતો હોવાનું અને આ સમયે તેને જયદીપ ઝાલા અને કિશન ચાવડા સાથે સંપર્ક થયો હતો. આરોપી જયદિપ ઝાલા ફોટોશોપનો જાણકાર હોવાથી જયદિપ, કિશન અને હર્ષ દ્વારા સાથે મળી બોગસ દસ્તાવેજ બનાવવા માટે પ્લાન બનાવવામાં આવ્યો હતો. દસ્તાવેજી પ્રોસેસ કિશન જાણતો હતો અને જૂનો ડેટા હર્ષ સોની દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી મેળવવામાં આવ્યો હતો. જેમાં ફોટોશોપ મદદથી ઓરીજીનલ ડોક્યુમેન્ટમાં ચેડા કરી જયદિપ એડિટિંગ કરી નવા પુરાવા તૈયાર કરી દેતો હતો અને બાદમાં દસ્તાવેજને અસલ તરીકે ઉપયોગમાં લેવા માટે વકીલ કિશન પણ સાથ આપતો હોવાનું સામે આવ્યું છે.
ફ્લેટમાં દરોડા પાડતા બોગસ દસ્તાવેજો ને સ્ટેમ્પ મળ્યા આ સાથે સમગ્ર કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પ્રદ્યુમનનગર પોલીસ ટીમે બીલખા હાઉસમાં આવેલ આરોપી હર્ષ સોનીના ફ્લેટમાં પણ દરોડા પાડી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજો, બોગસ સ્ટેમ્પ, સ્ટેમ્પ બનાવવાનું મશીન સાહિતનું સાહિત્ય મળી આવતા કબ્જે કરવામાં આવ્યું હતું.
રજિસ્ટ્રાર કચેરીમાં રહેલ ડેટા સુરક્ષિત નથી અત્યાર સુધીની તપાસમાં કુલ 17 જેટલા દસ્તાવેજ ખોટા બનાવવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પરંતુ, મુખ્ય આરોપી હર્ષ સોનીની આગળ રિમાન્ડ દરમિયાન પુછપરછ કરવામાં આવ્યા બાદ આગળ વધુ બોગસ દસ્તાવેજ તૈયાર થયા છે કે કેમ તેમજ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? સહિતની માહિતી સામે આવી શકે તેમ છે. ત્યારે પોલીસ તપાસમાં આ સમગ્ર મામલે શું વધુ નવા ખુલાસા થશે? તે જોવું સૌથી અગત્યનું રહેશે કારણ કે, રજિસ્ટ્રાર કચેરીમાં રહેલ ડેટા સુરક્ષિત નથી તે તો આ ફરિયાદ સામે આવતા જ સ્પષ્ટ થઇ ગયું છે. અહીંયા વર્ષોથી એક ને એક જગ્યા પર કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તેમના પર કોઈ મોનીટરીંગ પણ થતું નથી અને સૌથી અગત્યની વાત કે, અહીંયા આખા રાજકોટના અગત્યના દસ્તાવેજી પુરાવાઓ પડેલા છે છતાં CCTV કેમેરા પણ ઉપલબ્ધ નથી.
બોગસ આધારકાર્ડ-પાનકાર્ડ બનાવી મિલકત પચાવી પાડતા ઉલ્લેખનીય છે કે, ગત તા.24.10.2024ના રોજ રૈયાના સર્વે નં.277/1 પ્લોટના નં.42ના ગામ નમૂના નં.2 નોંધ રદ કરવાના કામે કાગળ મળેલ હતો. જે નોંધની તપાસ કરતાં સ્કેનિંગવાળા દસ્તાવેજ અને 1972ના ખરા દસ્તાવેજમાં વિસંગતા જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં પોલીસે જયદીપ ઝાલાને પકડી પાડી સઘન પુછતાછ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પુછપરછમાં જયદીપ ઝાલાએ જણાવ્યું હતું કે, મઘરવાડામાં આવેલી એક મિલકત જે જુની શરતની હતી તેમની માલીકી ધરાવતાં વૃદ્ધાનું અવસાન થતાં તે મિલકતનાં બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત એકથી વધુ આરોપીઓએ જે મિલકતનાં માલીકોનું અવસાન થયેલ હોય કે વિદેશ રહેતા હોય એવી વપરાશમાં ન હોય એવી મિલકતો શોધી તેનાં દસ્તાવેજમાં કોઈ એક વ્યકિતનો ફોટો તેમજ તેમનાં બોગસ આધારકાર્ડ-પાનકાર્ડ બનાવી તે મિલકત પચાવી પાડવાની મોડસ ઓપરેન્ડીથી કામ કરી હોવાની કબૂલાત આપી હતી.