વડોદરાઃ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાદેશિક ભાષામાં મહત્તમ પાઠય પુસ્તકો ઉપલબ્ધ થાય તે માટેના પ્રોજેકટની ભારત સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને શરુઆત કરી છે.જેના ભાગરુપે ગુજરાતી ભાષામાં પણ પાઠય પુસ્તકો લખવા માટે ગુજરાતી ભાષા સંવર્ધન સમિતિની રચના કરાઈ છે.જેની તમામ સરકારી યુનિવર્સિટીઓ સભ્ય છે.જેમાં એમ.એસ.યુનિવર્સિટીની નોડલ યુનિવર્સિટી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ પ્રોજેકટના ભાગરુપે આર્ટસ, સાયન્સ, કોમર્સના વિવિધ વિષયોના અધ્યાપકો પાઠય પુસ્તકો લખશે અને તેને બાદમાં યુજીસીની ઈ-કુંભ વેબસાઈટ પર મૂકવામાં આવશે.તેને ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પ્રોજેકટ સાથે સંકળાયેલા આર્ટસ ફેકલ્ટીના પૂર્વ ડીન અને વરિષ્ઠ પ્રોફેસર આધ્યા સક્સેનાએ કહ્યું હતું કે, માર્ચ મહિના સુધીમાં વિવિધ વિષયોના ૫૦ જેટલા પુસ્તકો લખાઈને તૈયાર થઈ જશે.એ પછી તેનો ગુજરાતી ભાષા સંવર્ધન સમિતિ દ્વારા રિવ્યૂ કરવામાં આવશે.આ પુસ્તકોને યુજીસી પાસે મોકલવામાં આવશે અને યુજીસીના નિષ્ણાતો પણ ફરી એક વખત તેનું મૂલ્યાંકન કરશે.એ પછી પુસ્તકોને યુજીસીની ઈ-કુંભ નામની વેબસાઈટ પર મૂકવામાં આવશે.યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને આ પુસ્તકો ઉપલબ્ધ થશે.
આ પુસ્તકો લખનારા ૧૦૦ જેટલા અધ્યાપકોને માર્ગદર્શન આપવા, યુજીસીની ગાઈડ લાઈનની જાણકારી આપવા અને તેમના સૂચનો લેવા માટે યુનિવર્સિટીમાં તા.૨૬ અને ૨૭ ડિસેમ્બર એમ બે દિવસ વર્કશોપનું આયોજન કરાયું છે.આજે તેનો પ્રારંભ થયો હતો.જેમાં મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર અને પદ્મ શ્રી પ્રોફેસર સિતાંશુ યશચંદ્ર, યુજીસીના જોઈન્ટ સેક્રેટરી ડો.અર્ચના ઠાકુર અને અધ્યક્ષ તરીકે વાઈસ ચાન્સેલર ડો.વિજય કુમાર શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતા.