– તાજેતરમાં જ સુરત મજૂરીકામ માટે આવેલી ડુંગરપુરની એક બાળકની માતા 23 વર્ષીય વર્ષાને અન્ય સાથે અફેર હોવાની સંજય પગીને શંકા હતી
– વર્ષાના અગાઉ બે વખત લગ્ન થયા હતા : ચાર મહિના પહેલા જ બંનેની સગાઈ થઈ હતી
સુરત, : સુરતના વરાછા અર્ચના સ્કુલ પાસે હરિધામ સોસાયટીમાં રહેતા ભાઈ પાસે ગણતરીના દિવસો પહેલા જ રાજસ્થાનના ડુંગરપુરથી મજૂરીકામ માટે આવેલી એક બાળકની માતા 23 વર્ષીય યુવતીની હત્યા કરી ફરાર મંગેતરને વરાછા પોલીસે રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી લીધો છે.અગાઉ બે વખત લગ્ન કરનાર યુવતીની રત્નકલાકાર સાથે ચાર મહિના પહેલા જ સગાઈ થઈ હતી અને રત્નકલાકારને તેનું અન્ય સાથે અફેર હોવાની શંકા હોય તેણે હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના ડુંગરપુર ગ્યાલાકોટના સમેલીઘાટનો વતની 19 વર્ષીય ક્રિષ્ના વશીયાભાઇ ગુદા સુરતના વરાછા અર્ચના સ્કુલ પાસે હરિધામ સોસાયટી ઘર નં.બી/60 ના ત્રીજા માળે છેલ્લા છ મહિનાથી ભત્રીજા પંકજ અને ભત્રીજી મનીષા સાથે ભાડાના મકાનમાં રહે છે અને ઘરની નીચે બીજા માળે હોટફીક્સના મશીન ચલાવી સાડીઓ ઉપર સ્ટોન લગાવવાની મજૂરી કરે છે.તેની મોટી બહેન વર્ષા ( ઉ.વ.23 ) ના અગાઉ બે વખત લગ્ન થયા હતા અને તેને બે વર્ષનું બાળક પણ છે.જોકે, તે લગ્નભંગ થયા બાદ ચાર મહિના પહેલા તેની સગાઈ મહીસાગર જીલ્લાના ખાનપુરના જેતપુર વડાગામના વતની અને સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા સંજય રયજીભાઇ પગી સાથે સગાઈ થઈ હતી.ગત 9 મી ના રોજ વર્ષા ભત્રીજા પંકજ સાથે વતનથી સુરતમાં સ્ટોન ચોંટાડવાની મજૂરીકામ માટે આવી હતી અને ક્રિષ્ના સાથે જ રહી તેની સાથે જ કામ કરતી હતી.જયારે તેનું બાળક વતનમાં માતાપિતા સાથે રહેતું હતું.
ગત સોમવારે સાંજે સંજય ક્રિષ્નાના ઘરે આવ્યો હતો અને બે દિવસ રજા છે એટલે આવ્યો છું કહી તેમની સાથે જ રહેતો હતો.ગતસાંજે 6.30 વાગ્યે વર્ષા કામ કરતી હતી ત્યારે મને તાવ આવે છે સારું લાગતું નથી હું રૂમ ઉપર જાઉં છું કહી ઉપર ગઈ હતી.બાદમાં 8.15 વાગ્યે ભત્રીજી મનીષા રૂમ ઉપર ગઈ ત્યારે વર્ષા ગળાના ભાગે ઈજાના નિશાન સાથે લોહીલુહાણ હાલતમાં પડેલી હોય તેણે પંકજને કહેતા તેણે કામ માટે બહાર ગયેલા ક્રિષ્નાને જાણ કરી હતી.ક્રિષ્ના અને તેના શેઠ કમલેશભાઈ ત્યાં દોડી ગયા હતા અને આ અંગે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા.108 એમ્બ્યુલન્સમાં હાજર સ્ટાફે વર્ષાને મૃત જાહેર કરતા પોલીસે વર્ષા રમ ઉપર આવી તે સમયે ત્યાં હાજર સંજયની તપાસ કરી તો તે મળ્યો નહોતો.પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તે ત્યાંથી જતો નજરે ચઢ્યો હતો.
આથી વરાછા પોલીસે ક્રિષ્નાની ફરિયાદના આધારે સંજય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસને હત્યા કરી ફરાર સંજયને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડવામાં આજે સાંજે સફળતા મળી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં સંજયને વર્ષાનું અન્ય સાથે અફેર હોવાની શંકા હોય તેણે હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.વધુ તપાસ પીઆઈ આર.બી.ગોજીયા કરી રહ્યા છે.