Mamata Banerjee Attack on BJP : ગુજરાતમાં દિકરી-મહિલાઓ અડધી રાત્રે પણ બિન્દાસ થઇને ફરી શકે છે તેવા દાવા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે શાંત-સલામત ગુજરાતમાં નરાધમો દિકરી-મહિલાઓને નિશાન બનાવી રહ્યાં છે. દિવસે દિવસે બળાત્કારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવા તકીયા કલામ સાથે ગૃહમંત્રી બણગાં મારી રહ્યાં છે પણ વાસ્તવિકતાએ છે કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી જાણે કથળી રહી છે તેવુ ગુજરાતની જનતા અહેસાસ કરી રહી છે.
કોલકત્તામાં બળાત્કારની ઘટના થઇ ત્યારે મમતા દીદીને સલાહ આપી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી હતી. પણ ગુજરાતમાં ઝઘડિયામાં એક માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી જધન્ય કૃત્ય આચરવામાં આવ્યું ત્યારે સંવેદનનો એક હરફ ઉચ્ચારવામાં આવ્યો નહી. આ મામલે મુખ્યમંત્રીથી માંડીને ભાજપના બધાય નેતાઓના હોઠ સિવાઇ ગયા હતાં. આ બેધારી નીતિને કારણે ચારેકોર ટીકા થઇ રહી છે.
આ પણ વાંચો: 2024માં ગુજરાત સરકારને લાગ્યું કૌભાંડ-કાંડનું કલંક, ગેરરીતિ-ગોટાળા,ભ્રષ્ટાચારની ભરમાર
મુખ્યમંત્રીએ કાંકરિયા કાર્નિવલમાં ઝઘડિયા-દાહોદમાં પીડિતા વિશે સંવેદનાનો હરફ ઉચ્ચારાયો નહીં
ગુજરાતમાં દિકરી-મહિલાઓ સલામત નથી તેવી પરિસ્થિતી પરિણમી છે તેમ છતાંય સરકાર-ગૃહવિભાગના પેટનું પાણી હાલતુ નથી. સ્થિતી એટલી હદે કથળી છેકે, ગુજરાતમાં છેલ્લાં એક જ વર્ષમાં 648 દિકરી-મહિલાઓ બળાત્કારનો ભોગ બની છે. આમ છતાંય સરકાર સલામત ગુજરાતની દુહાઇ આપી રહી છે. ઝઘડિયામાં એક માસુમ દિકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જેણે હોસ્પિટલના બિછાને જ આખરી શ્વાસ લીધો હતો. આ ઘટનાએ ગુજરાતના કાયદા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યાં છે ત્યારે ગુજરાતના જુદા જુદા શહેરોમાં રેલીઓ યોજાઇ રહી છે અને આરોપીને કડકમાં કડક શિક્ષા કરવા માંગ ઉઠી છે.
દરમિયાન, કાંકરિયા કાર્નિવલ વખતે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં કાર્યકરોએ ઝઘડિયા બળાત્કાર કાંડના આરોપીને ફાંસી આપો તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતાં જેના પગલે વિરોધ પ્રદર્શન કરતાં લોકોની પોલીસે અટકાયત કરી હતી. બધાય કાર્યકરોને મણિનગર પોલીસ સ્ટેશને લઇ જવાયા હતાં. વિરોધ કરનારાઓનું કહેવુ છે કે, બળાત્કારની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. એટલુ જ નહીં, દિકરી-મહિલાઓ અસલામતી અનુભવી રહી છે તેમ છતાં સરકારને કઇં પડી નથી.
છેક કોલકત્તામાં બળાત્કારની ઘટના બની ત્યારે ભાજપના નેતા-કાર્યકરો સલાહો આપવા લાગ્યા હતા. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદીને રાજ્યની કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સલાહ આપી હતી. નવાઇની વાત એ છેકે, ઝઘડિયા-દાહોદમાં નિર્ભયાકાંડ થયો તેમ છતાંય ભાજપના એકેય નેતા પિડીતાને મળવા ન ગયા. આ ઉપરાંત જિંદગી સામે જંગ હારી ગયા પછી પણ મુખ્યમંત્રી કે ભાજપનો એકેય નેતાએ સંવેદનાનો એક હરફ ઉચ્ચાર્યો નહીં.
આ પણ વાંચો: ગુજરાતનું કરપ્શન મોડલઃ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો, પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો
બલકે આ બધુય ભૂલીને મુખ્યમંત્રી કાંકરિયા કાર્નિવલ મહાવવા પહોચ્યા હતાં જ્યાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ઝઘડિયા બળાત્કાર કાંડમાં આરોપીને ફાંસી આપો, નિર્ભયાને ન્યાય આપો તેવી માંગ કરનારાંને જવાબ આપવાને બદલે પોલીસે જેલભેગા કર્યા હતાં. આમ, ગુજરાતની દિકરી-મહિલાઓને ન્યાય માટે અવાજ દબાવવા માટે પણ સરકાર પોલીસનો દુરુપયોગ કરી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રીએ ટિ્વટ કરી મમતા દીદીને શું સલાહ આપી હતી?
પશ્ચિમ બંગાળમાં બળાત્કારની ઘટના બનતાં મુખ્યમંત્રીએ ટિ્વટ કરી મમતા બેનરજીને સલાહ આપી હતી કે, મમતા દીદી, અમારે શબ્દોની નહી,કાર્યવાહીની જરુર છે. પોસ્કો જેવા મજબૂત કાયદા અમલમાં છે પણ તેનો પ્રભાવ સ્થાનિક પોલીસની નિષ્પક્ષ કાર્યવાહી પર નિર્ભર છે. તપાસથી માંડીને સજા સુધી સમય પર ન્યાય મહત્વપૂર્ણ છે. મહિલાઓની સુરક્ષા એક મૌલિક માનવ અધિકાર છે. આ કોઇ રાજનીતિક મુદ્દો નથી. આપણે પારદર્શિતા અને સામૂહિક જવાબદારી સાથે કામ કરવુ જોઇએ. આપણે નક્કી કરવુ પડશે કે, આપણી દિકરી-બહેનો વિના ડરથી રહી શકે .હવે બહુ મોડુ કર્યા વિના,બહાનાબાજી કર્યા વિના ત્વરિત કાર્યવાહી થવી જોઇએ.
આ પણ વાંચો: ગુજરાતમાં નકલીની બોલબાલા: મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડૉક્ટર ઝડપાયા, ડિગ્રી વિનાના દર્દીઓને તપાસતાં
પાંચ વર્ષમાં બળાત્કારની 2766 ઘટના
ગુજરાતમાં છેડતી-બળાત્કારની ઘટનાઓમાં દિનેદિને વધારો થઇ રહ્યો છે. કાયદાનો જાણે કોઇને ડર રહ્યો ન હોય તેવી સ્થિતી પરણિમી છે ત્યારે ગુજરાતમાં દિકરી-મહિલાઓ અસલામતી અનુભવી રહી છે. સલામત ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં જ બળાત્કારની કુલ મળીને 2766 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. રાજ્ય સરકાર સલામત ગુજરાતની ભલે ડીંગો હાંકે પણ વાસ્તવિકતા એ છે કે, ગુજરાત વર્ષે દહાડે સરેરાશ 500થી વધુ બળાત્કારની ઘટના બની રહી છે.