Kankaria Carnival cancelled : દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું નિધન થતાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને અમદાવદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024ને મોકૂફ રાખવાની એ.એમ.સી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવરો શોની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, હવે ફ્લાવર શો 3 જાન્યુઆરીથી શરૂ થશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
કાંકરિયા કાર્નિવલ 2024 મોકૂફ
અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા તથા દંડક દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે “કાંકરિયા કાર્નિવલ2024″ના આજે તારીખ 27 ડિસેમ્બર 2024 થી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. જ્યારે કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્ય પ્રવેશ યથાવત રહેશે.
તિરંગો પણ અડધી કાઠીએ ફરકાવાશે
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થઈ ગયું. ગુરુવારે સાંજે તેમની તબિયત લથડી હતી. ત્યારપછી તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર સરકારે સાત દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આજે તિરંગો પણ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.
લાંબા સમયથી બીમાર હતા મનમોહન સિંહ
પૂર્વ પીએમના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. તેમના મૃત્યુ બાદ મનમોહન સિંહના પાર્થિવ દેહને મોડી રાત્રે એઈમ્સથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. ડૉ.મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અંતિમ સંસ્કાર ક્યાં થઈ શકે?
દેશના પૂર્વ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર દિલ્હીમાં વિશેષ સ્મારક સ્થળ પર કરવામાં આવે છે, જેમ કે જવાહર લાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર રાજઘાટ સંકુલમાં કરવામાં આવ્યા હતા. તે જ સમયે ઘણા ભૂતપૂર્વ વડાપ્રધાનો માટે એક અલગ સમાધિ પણ બનાવવામાં આવે છે. જો કે, અંતિમ સંસ્કારની પદ્ધતિ મૃત વ્યક્તિ અને તેના પરિવારની ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. સામાન્ય રીતે ભૂતપૂર્વ વડા પ્રધાનોના અંતિમ સંસ્કાર દિલ્હીમાં થાય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં પ્રક્રિયા સંબંધિત વ્યક્તિના ગૃહ રાજ્યમાં પણ થઈ શકે છે. તેમના અંતિમ સંસ્કારમાં દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહે છે.