એમ.એસ.યુનિવર્સિટીના 73મા પદવીદાન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપસ્થિત નહી રહી શકે.જેના કારણે હવે યુનિવર્સિટી સત્તાધીશોએ કાં તો પદવીદાન સમારોહની તારીખમાં ફેરફાર કરવો પડશે અથવા તો નવા ચીફ ગેસ્ટ શોધવા પડશે.
વડોદરાના સાંસદે ઉપરોક્ત જાણકારી શેર કરીને કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધનના કારણે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને તેના કારણે ઉપરાષ્ટ્રપતિ તા.29મીએ યોજનારા પદવીદાન સમારોહમાં હાજર નહીં રહી શકે.
યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા છેલ્લા એક સપ્તાહથી પદવીદાન સમારોહના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. યુનિવર્સિટીના કોન્વોકેશન ગ્રાઉન્ડ પર શમિયાણો પણ બંધાઈ ગયો છે. ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેવાના છે તેવી જાહેરાત પણ તંત્ર દ્વારા ગઈકાલે કરવામાં આવી હતી.
હવે ઉપરાષ્ટ્રપતિએ વડોદરાની મુલાકાત મોકૂફ રાખી છે ત્યારે યુનિવર્સિટી સત્તાધીશોએ નવા ચીફ ગેસ્ટ શોધવા પડશે અથવા તો પદવીદાન સમારોહની બીજી તારીખ જાહેર કરવી પડશે. વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ શું નિર્ણય લે છે તેના પર વિદ્યાર્થીઓની નજર રહેશે કારણ કે ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને સમારોહની જાણકારી આપતા ઈ મેઈલ પણ પરીક્ષા વિભાગ દ્વારા મોકલી આપવામાં આવ્યા છે. સાંસદે જાણકારી શેર કર્યા પછી પણ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આ સંદર્ભમાં કોઈ નવી જાણકારી આપવામાં આવી નથી.