હાડ થીજી જાય, દાંત કડકડાટી બોલાવે, સ્વેટર-જેકેટ કે મફલર પણ કામ ન કરે… આવી ઠંડી હવે કેમ પડતી નથી? દર વર્ષે ઠંડી મોડી અને ઓછી કેમ પડી રહી છે? વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય, બાકી આખો દિવસ વાતાવરણ નોર્મલ રહે. વાતાવરણમાં આ પરિવર્તન એ ખતરા
.
નમસ્કાર,
વર્ષનો છેલ્લો મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. વર્ષના છેલ્લા મહિનામાં જે કાતિલ ઠંડી પડવી જોઈએ એવી હજી પડી નથી. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે, પરંતુ જો ઋતુચક્ર બદલાયું ન હોત તો અત્યારસુધીમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ હોત. આ ક્લાઇમેટ ચેન્જનું પરિણામ છે, જેની અસર દેશભરના હવામાન પર જોવા મળી રહી છે. દેશનાં આવાં રાજ્યોમાં જંગલ વિસ્તારો ઘટી રહ્યા છે, જે વરસાદ અને હિમવર્ષા માટે જવાબદાર છે. સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (SOFR)માં ખુલાસો થયો છે કે ભારતમાં ફોરેસ્ટ કવરનો વિસ્તાર અને વૃક્ષોના આવરણમાં વધારો થયો છે, પરંતુ પહાડી રાજ્યોમાં વન વિસ્તાર ઘટ્યો છે, જ્યાં હકીકતમાં ઘટવો ન જોઈએ.
રાજ્ય | ઘટેલો વન વિસ્તાર |
ત્રિપુરા | 95.3 ચોરસ કિલોમીટર |
અરુણાચલ પ્રદેશ | 91 ચોરસ કિલોમીટર |
ઉત્તરાખંડ | 22 ચોરસ કિલોમીટર |
આસામ | 79 ચોરસ કિલોમીટર |
મણિપુર | 54.8 ચોરસ કિલોમીટર |
નાગાલેન્ડ | 51.9 ચોરસ કિલોમીટર |
મેઘાલય | 30 ચોરસ કિલોમીટર |
પશ્ચિમ બંગાળ | 2.4 ચોરસ કિલોમીટર |
ઘણાં રાજ્યોમાં જંગલ વિસ્તારમાં ઘટાડો થયો છે 2021ની સરખામણીમાં દેશના કુલ જંગલ અને વૃક્ષોના વિસ્તારમાં 1,445 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે, જેમાં કુલ ભૌગોલિક વિસ્તારનો 25.17 ટકા હરિયાળો વિસ્તાર છે. હાલના મૂલ્યાંકન મુજબ દેશમાં કુલ જંગલ અને વૃક્ષોનો વિસ્તાર 8,27,357 ચોરસ કિલોમીટર છે, જે દેશના ભૌગોલિક વિસ્તારના 25.17 ટકા છે. જંગલ વિસ્તાર લગભગ 7,15,343 ચોરસ કિલોમીટર (21.76 ટકા) છે, જ્યારે વૃક્ષોનો વિસ્તાર 1,12,014 ચોરસ કિલોમીટર (3.41 ટકા) છે.
ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતાં ત્રણ રાજ્ય
- મધ્યપ્રદેશ (77,073 ચોરસ કિમી)
- અરુણાચલ પ્રદેશ (65,882 ચોરસ કિમી)
- છત્તીસગઢ (55,812 ચોરસ કિમી)
આ સિવાય દેશનાં ઘણાં રાજ્યોમાં જંગલ વિસ્તારમાં ઘટાડો થયો છે. ISFR વધુમાં દર્શાવે છે કે ઉત્તરાખંડમાં 22.9 ચોરસ કિલોમીટરના ઘટાડામાં કોર્બેટ, રાજાજી અને કેદારનાથ વન વિભાગ અને અન્ય 21 વન વિભાગોનો સમાવેશ થાય છે, જ્યાં બે વર્ષમાં જંગલ વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે. આ માહિતી પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તનમંત્રી ભૂપેન્દ્ર યાદવે મીડિયાને આપી હતી.
ગુજરાતમાં ફોરેસ્ટ વિસ્તાર વધ્યો
ફોરેસ્ટ રિપોર્ટમાં શું નોંધ કરવામાં આવી છે?
- આસામના રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા (RFA), જેમાં સરકારી રેકોર્ડમાં જંગલોનો સમાવેશ થાય છે, એમાં 86.66 ચોરસ કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે.
- મધ્યમ ગાઢ જંગલો (MDF) 8,333 ચોરસ કિલોમીટરથી ઘટીને 4,468 ચોરસ કિલોમીટર થઈ ગયા છે.
- અત્યંત ગાઢ જંગલ વિસ્તાર 2,789 ચોરસ કિલોમીટરથી વધીને 2,833 ચોરસ કિલોમીટર થઈ ગયો છે.
- ત્રિપુરામાં RFA હેઠળનો જંગલ વિસ્તાર ઘટીને 116 ચોરસ કિલોમીટર રહી ગયો છે.
- અરુણાચલ પ્રદેશ, આસામ, તેલંગાણા અને લદ્દાખમાં સમાન ઘટાડો જોવા મળ્યો છે.
દેશના સૌથી ઠંડા વિસ્તારોમાંથી શિયાળો ગાયબ
- 1901થી રેકોર્ડ તપાસ કરતાં હવામાન વિભાગને જાણવા મળ્યું કે નવેમ્બર 2024નો મહિનો એ 1979 અને 2023 પછીનો 124 વર્ષમાં ત્રીજો સૌથી ગરમ નવેમ્બર મહિનો હતો.
- દિલ્હી, હરિયાણા, પંજાબ, યુપી જેવાં દેશના સૌથી ઠંડાં રાજ્યોમાં આ વર્ષનો નવેમ્બર મહિનો છેલ્લાં 124 વર્ષમાં સૌથી ગરમ રહ્યો છે.
ડિસેમ્બરમાં પણ અત્યારસુધી કડકડતી ઠંડી નથી
- ડિસેમ્બર 2024માં મુંબઈમાં 37 ડિગ્રી અને દિલ્હીમાં મહત્તમ 28 ડિગ્રી તાપમાન રહ્યું, જે ન હોવું જોઈએ. ઓછું હોવું જોઈએ.
- મુંબઈમાં ડિસેમ્બર 2024ના મહિનામાં સૌથી ગરમ દિવસનો 16 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 4 ડિસેમ્બર 2024ના દિવસે મુંબઈમાં 37.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
- દિલ્હીમાં સરેરાશ સામાન્ય તાપમાન 3 ડિગ્રી વધારે હતું.
શું આ વર્ષે કડકડતી ઠંડી નહીં પડે?
- હવામાન વિભાગના દિલ્હીના ડાયરેક્ટર એમ. મહાપાત્રાએ મીડિયાને જાણકારી આપી હતી કે કડકડતી ઠંડી નહીં જ પડે, એવું નથી. કોલ્ડવેવના દિવસો ઓછા રહેશે. ડિસેમ્બરના એન્ડથી જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી દેશના ઘણા ભાગોમાં તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં પણ વધારે રહી શકે છે.
- રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ઝારખંડ, બિહાર, એમપી, છત્તીસગઢ અને ગુજરાતમાં ત્રણ મહિના દરમિયાન કોલ્ડવેવના સરેરાશ એક મહિનાના 5થી 6 દિવસો હોય છે. આ વર્ષે ત્રણ મહિનામાં કોલ્ડવેવની સરેરાશ સંખ્યા એક મહિનામાં 2થી 4 દિવસ થવાની સંભાવના છે.
ઠંડી મોડી અને ઓછી પડવાનાં કારણો શું?
- સ્કાયમેટ વેધરના વેધર એનાલિસ્ટ હવામાનશાસ્ત્રી મહેશ પલાવતે ઠંડી મોડી અને ઓછી પડવાનાં કારણો જણાવ્યાં હતાં…
- ચોમાસાંમાં પહાડોમાં અપૂરતો વરસાદ વરસ્યો એના કારણે ઠંડી શરૂ થઈ નથી.
- ભારતમાં જુલાઈ-ઓગસ્ટમાં વરસાદ માટે ચોમાસાના પવનો જવાબદાર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો ઠંડી માટે જવાબદાર છે. અગાઉ આ પવનો નવેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી આવતા હતા. આ વર્ષે 8થી 10 નવેમ્બર દરમિયાન સક્રિય થયા હતા, એટલે ઠંડી ઓછી પડી રહી છે.
- 2023ના પહેલા 9 મહિનાના 273 દિવસમાંથી 235 દિવસનું જે હવામાન હોવું જોઈએ એનાથી અલગ હતું.
- હવામાન પરિવર્તનના કારણે ચોમાસાના ચક્રમાં ફેરફાર થયો છે, જેના કારણે શિયાળો મોડો શરૂ થઈ રહ્યો છે.
ભારતમાં શિયાળો ક્યાંથી ક્યાં સુધી હોવો જોઈએ?
ભારતમાં શિયાળો 20 નવેમ્બરથી શરૂ થાય છે અને 20 ફેબ્રુઆરી સુધી ચાલે છે. દેશમાં શિયાળાને પણ ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે.
- પ્રી-વિન્ટર સીઝન: 20 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધીમાં શિયાળો જોર પકડે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો દેશમાં પ્રવેશ્યા પછી જ પ્રી-વિન્ટર સીઝન શરૂ થાય છે.
- પિક વિન્ટર સીઝન: ઠંડીનો આ તબક્કો 20 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી ચાલે છે. આ સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયને અથડાય છે અને વરસાદ અથવા હિમવર્ષાને કારણે વધુ ઠંડી પડે છે.
- પોસ્ટ વિન્ટર સીઝન : 20 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી જ્યારે શિયાળો ઓછો થવા લાગે છે. આ સમય દરમિયાન પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલુ રહે છે અને ફેબ્રુઆરીના અંત સુધી શિયાળો ચાલુ રહે છે.
છેલ્લાં 5 વર્ષમાં ડિસેમ્બરની ઠંડીમાં ઘટાડો થયો છે હવામાન શાસ્ત્રી મહેશ પલાવતનું કહેવું છે કે છેલ્લાં 5 વર્ષથી ડિસેમ્બરમાં ઠંડીમાં ઘટાડો થાય છે. કોલ્ડવેવના દિવસોની સંખ્યામાં ઘટાડો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોડા આવવાની ઘટના બે-ત્રણ વર્ષથી બની રહી છે. 2023માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાન્યુઆરીમાં એક્ટિવ થયું હતું. જ્યારે ભૂમધ્ય સમુદ્રમાંથી આવતા આ પવનો સતત 7-8 વર્ષ મોડા આવશે ત્યારે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ હોવાનું માનવામાં આવશે. એનાં લક્ષણો દેખાવા લાગ્યાં છે.
ઋતુચક્ર બદલાતાં બધું મોડું મોડું થવા લાગ્યું IPE ગ્લોબલ અને ESRI-Indiaના વિશ્લેષણ મુજબ ભારતની હવામાનની પેટર્નમાં ફેરફારના કારણે 149 જિલ્લા જે ચોમાસામાં પૂરનો સામનો કરતા હતા એમણે દુષ્કાળનો અનુભવ કરવાનું શરૂ કર્યું છે. તો 110 જિલ્લામાં પૂર આવવાનું શરૂ થયું છે જ્યાં દુષ્કાળની સ્થિતિ હતી. 2011થી 2024 સુધી ચોમાસું સતત એક અઠવાડિયું મોડું પહોંચ્યું હતું. એના કારણે શિયાળો પણ મોડો શરૂ થયો અને વસંત ઋતુ પણ મોડી શરૂ થઈ છે.
આપણે ત્યાં ઠંડી પડવાનાં ત્રણ કારણ કયાં?
- નોર્થ-ઈસ્ટ ટ્રેડ વિન્ડ્સ : ભારતમાં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આ પવનો ફૂંકાય છે. આને શિયાળાના પવનો પણ કહેવાય છે. આ પવનો હિમાલયમાંથી સૂકી અને ઠંડી હવા લાવે છે અને દેશના અન્ય ભાગોમાં ઠંડી પહોંચાડે છે.
- વેસ્ટર્ન સાઇક્લોનિક ડિસ્ટર્બન્સ : આ પવનો, જે પૃથ્વીની સપાટીના તાપમાનમાં ફેરફારના કારણે ઉત્પન્ન થાય છે, એ ભૂમધ્ય સમુદ્રમાંથી આવે છે. આ ખૂબ જ તીવ્ર પવન છે, જે શિયાળામાં વરસાદ અને હિમવર્ષા લાવે છે.
- કેસ્પિયન સમુદ્ર અને તુર્કમેનિસ્તાનના પવનો : આ પવનો ફેબ્રુઆરીની આસપાસ આવે છે અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઠંડી, હિમ અને ધુમ્મસ લાવે છે.
બદલાયેલા ઋતુચક્રની અસર ભારતમાં જ નહીં, વિશ્વમાં થઈ છે ક્લાઇમેટ ચેન્જની ઇન્ટરગવર્નમેન્ટલ પેનલે આવી પાંચ ઘટના નોંધી છે.
- રણ વિસ્તાર દુબઈમાં પૂર : 16 એપ્રિલ 2024ના દિવસે ભારે વરસાદના કારણે યુએઇના રણ વિસ્તાર નજીકના દુબઈ અને શારજાહ શહેરમાં પૂર આવ્યું. UAEના રાષ્ટ્રીય હવામાન કેન્દ્ર અનુસાર, આ 75 વર્ષમાં નોંધાયેલો સૌથી ભારે વરસાદ હતો.
- અમેરિકા અને યુરોપની ઋતુમાં ફેરફાર : અમેરિકા અને યુરોપ કેટલાક ભાગોના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. અહીં વસંત ઋતુ વહેલી આવે છે અને પછી પાનખર મોડી આવે છે.
- મધ્ય યુરોપમાં પૂર : સપ્ટેમ્બર 2024માં મધ્ય યુરોપમાં પોલેન્ડ, ચેક રિપબ્લિક, રોમાનિયા, ઈટાલીમાં પૂર આવ્યું. 17 હજાર કરોડથી વધુનું નુકસાન થયું હતું અને લગભગ 2 ડઝન લોકોનાં મોત થયાં હતાં.
- આફ્રિકામાં દુકાળ : પૂર્વ આફ્રિકામાં છેલ્લાં 5 વર્ષથી વરસાદ પડ્યો નથી, જેના કારણે અહીં 40 વર્ષમાં સૌથી ખરાબ દુષ્કાળની સ્થિતિ છે. એકલા સોમાલિયામાંથી 12 લાખ લોકોએ ભાગવું પડ્યું છે.
- બ્રાઝિલ અને કેનેડાનાં જંગલોમાં લાગેલી આગ: છેલ્લાં કેટલાંક વર્ષોમાં બ્રાઝિલ અને એમેઝોનનાં જંગલોમાં મોટેપાયે આગ લાગી છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ મુજબ આગામી 75 વર્ષમાં આગની ઘટનાઓમાં 50 ટકાનો વધારો થશે.
છેલ્લે,
ગયા વર્ષે 2023માં ભારતમાં હવામાન પરિવર્તનને કારણે 3 હજાર લોકો અને 92 હજાર પશુ-પક્ષીનાં મૃત્યુ થયાં હતાં. આ મોત માટે જવાબદાર આપણે જ છીએ.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી )