Bhupendra Zala Arrested: મહેસાણાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. BZ ગ્રુપ દ્વારા 6 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે આજે (27 ડિસેમ્બર, 2024)ના રોજ ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલા સકંજામાં આવ્યો છે. CID ક્રાઈમ દ્વારા BZ કૌભાંડના માસ્ટર માઈન્ડ ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્યાંથી તેને ગાંધીનગર લવાયો છે, જ્યાં તેની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે. સૂત્રોના અનુસાર, તેની ધરપકડ મહેસાણા જિલ્લાના વિસનગરના દવાડા ગામથી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, છેલ્લા એક અઠવાડિયાથી CID ક્રાઇમ આ મામલે વ્યાપક કામગીરી કરી રહી હતી. CIDએ લોકોને જણાવ્યું છે કે, જેમને પણ ભૂપેન્દ્ર ઝાલા સામે ફરિયાદ કરવી હોય તેઓ ગાંધીનગર CID ક્રાઈમની ઓફિસે આવી શકે છે.
ક્યાં છૂપાયો હતો ભૂપેન્દ્ર?
મળતી માહિતી અનુસાર, જ્યારથી કૌભાંડ સામે આવ્યું છે ત્યારથી ભૂપેન્દ્ર ઝાલા ફરાર હતો. ત્યારે આજે એક મહિના બાદ તેનું પગેરૂ મળ્યું હતું. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામમાં છૂપાયો હતો. CID ક્રાઈમની ટીમે દવાડા ગામના ખેતરના એક નાના ઘરમાંથી ઝડપ્યો છે.
ભૂપેન્દ્રનું લોકેશન કેવી રીતે મળ્યું?
ભૂપેન્દ્ર ઝાલા તેના સમાજના લોકોના સંપર્કમાં હતો. જેમના કોલ ટ્રેસ કરતા તેનું (ભૂપેન્દ્ર) લોકેશન મળ્યું હતું અને સાંજે 4 વાગ્યા આસપાસ તેને દવાડાથી ઝડપી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જ ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીત સિંહ અને તેના CA ઋષિત મહેતાની અટકાયત કરાઈ હતી. ભૂપેન્દ્ર ઝાલા સાથેના સંપર્ક અંગે રણજીતસિંહની CID ક્રાઇમ દ્વારા પૂછપરછ કરાઈ હતી. આ સાથે આરોપીઓના લોકેશન અને નાણાકીય વ્યવહારો સંદર્ભે પૂછપરછ કરાઈ હતી. ત્યારબાદ હવે ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલા પણ ઝડપાયો છે. હવે, આ તમામની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમાં મોટા ખુલાસાઓ થવાની પૂર્ણ શક્યતાઓ છે. આજે CID દ્વારા રણજીત સિંહની કરાયેલી પૂછપરછમાં કંપનીઓની વિગતો સામે આવી છે. 4 મુખ્ય કંપનીઓના ઓડીટ રિપોર્ટ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેણે લોકોને 95 કરોડ રૂપિયા આપવાના બાકી છે.
તો બીજી તરફ BZ કૌભાંડમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની જામીન અરજી ફરાગી દીધી છે.
ફરિયાદના 34માં દિવસે થઈ ધરપકડ
BZ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં તેની શોધખોળ કરાઈ હતી. તે છેલ્લા એક મહિનાથી પોતાના ઠેકાણા બદલતો રહ્યો હતો. તેણે ધરપકડથી બચવા ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી, પણ કોર્ટમાંથી તેને રાહત મળી ન હતી. ભૂપેન્દ્રની ધરપકડ બાદ હવે તેને આશરો આપનાર કોણ છે અને આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે સહિતની તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.
CID ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ અને તેના CAની કરી હતી અટકાયત
આજે CID ક્રામ દ્વારા ભૂપેન્દ્ર ઝાલાના ભાઇ રણજીતસિંહની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ આજે જ CID ક્રાઇમની ટીમે BZ એજ્યુકેશન ગ્રુપના CA ઋષિત મહેતાની પણ અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આ મામલે ત્રણ કર્મચારીઓની અટકાયત થઈ હતી.
શું છે સમગ્ર મામલો?
સમગ્ર મામલામાં ભૂપેન્દ્ર ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
સામાન્ય પગારમાં નોકરી કરતા કર્મચારીઓના ખાતામાં લાખોનું ટ્રાન્જેક્શન
BZ ગ્રુપની ઓફિસમાં કામ કરતા અને સામાન્ય પગાર ધરાવતા સફાઈકર્મી અને પટાવાળાની તપાસ અને પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિવિધ 6 લોકોના રોલ અને તેમની સાથે સંકળાયેલી વિગતો સામે આવી હતી.
1) રાહુલ રાઠોડ… જેનો દર મહિને 10 હજાર રૂપિયા પગાર હતો. તેના બેંક ખાતામાં અત્યાર સુધી 10,91,472 અને રોકડ વ્યવહારમાં 17.40 લાખની હિસ્ટ્રી મળી આવી છે.
2) વિશાલ ઝાલા… જેનો 12 હજાર 500 રૂપિયા પગાર હતો. વિશાલના ખાતામાં 19,77,676 અને 19 કરોડથી વધુની રોકડ વ્યવહાર મળી આવી છે. આ ઉપરાંત 1 કરોડ 85 લાખનું આંગડિયું પણ મળી આવ્યું છે.
3) રણવીર ચૌહાણ… જેમનો 12 હજાર રૂપિયા પગાર હતો. છેલ્લા 4 મહિનાથી તે કંપનીમાં જોડાયેલો છે. તેના બેન્ક એકાઉન્ટમાંથી 13,35,000 લાખનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે.
4) સંજય પરમાર… જેનો 7 હજાર રૂપિયા પગાર હતો. તે છેલ્લા 8 મહિનાથી સફાઈકર્મી તરીકે નોકરી કરે છે. સંજયના બેંકમાં 4,54,000 ઉપરાંત 1 કરોડ 56 લાખ રોકડ અને 60 લાખનું આંગડિયું મળી આવ્યું છે.
5) દિલીપ સોલંકી… જેનો 10 હજાર રૂપિયા પગાર હતો. તે છેલ્લા 8 મહિનાથી પટાવાળા તરીકે નોકરી કરે છે. દિલીપ સોલંકીના ખાતામાં 10,072 અને 1 કરોડ 20 લાખની રોકડ વ્યવહાર મળી આવી છે.
6) આશિક ભરથરી… જેનો 7 હજાર રૂપિયા પગાર હતો. તે સફાઈનું કામ કરે છે. આશિક ભરથરીના બેંકમાં 8400 અને 44,98,000 રોકડ વ્યવહાર અને 8,04,620 આંગડિયાની વ્યવહાર મળી આવી છે.
ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ ચૂંટણી પંચમાં પણ થઈ છે ફરિયાદ
BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ ચૂંટણીપંચમાં પણ ફરિયાદ થઈ છે. કુમાર ભાટ નામના યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં લોકસભા 2024ની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં ભૂપેન્દ્ર ઝાલાએ ક્રિમિનલ વિગતો છૂપાવી હોવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, વર્ષ 2018માં ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. તેની સામે CID ક્રાઈમમાં ફરિયાદ થઈ હતી. તેમ છતાં તેણે ઉમેદવારી ફોર્મમાં મહત્ત્વપૂર્ણ વિગતો છૂપાવી હતી. ત્યારે હવે ફરિયાદી દ્વારા ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરાઈ છે. મહત્વનું છે કે, લોકસભા 2024ની ચૂંટણીમાં સાબરકાંઠા જિલ્લાની બેઠક પરથી અપક્ષમાંથી ભૂપેન્દ્ર ઝાલાએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે, બાદમાં તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું.