BZ Group Scandal : BZ ગ્રુપ દ્વારા 6000 કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો ઘણા સમયથી ચર્ચામાં છે. આ કેસમાં અનેક આરોપીઓ પકડાયા છે, જ્યારે કેટલાક ફરાર છે. જેમાં મુખ્ય આરોપી અને BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ સમાવેશ થાય છે. ભૂગર્ભમાં ઉતરી ગયેલા ભૂપેન્દ્રના BZ ગ્રુપ દ્વારા ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટને ખરીદવામાં આવ્યું હતું. આ ગ્રોમોર કેમ્પસના શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. આ શિક્ષકોનો આક્ષેપ છે કે, 350 જેટલા કર્મચારી-શિક્ષકોને છેલ્લા એક મહિનાથી પગાર ચૂંકવાયો ન હોવાથી ગુજરાન ચલાવામાં હાલાકી પડી રહી છે. આ મામલે શિક્ષકોએ ગુજરાત સરકાર પાસે મદદની પૂકાર કરી છે.
350 શિક્ષકો-કર્મચારીઓ પગારથી વંચિત
BZ ગ્રુપ દ્વારા ખરીદાયેલા ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટના શિક્ષકો-કર્મચારીઓની મુશ્કેલી વધી છે. અહીં 3500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે 350 જેટલા શિક્ષકો-કર્મચારીઓનો સ્ટાફ છે. ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટના કેટલાક શિક્ષકોએ રાજીનામું આપ્યું છે, તો અન્ય શિક્ષકો પણ રાજીનામા આપી રહ્યા હોવાની જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટિટ્યૂટના ખર્ચા અને પગારમાં ભૂપેન્દ્ર ઝાલા અને તેની માતાની સહી હોવાથી પગારધોરણની કામગીરી અટકી ગઈ છે. બીજી તરફ, પગારથી વંચિત શિક્ષકોએ શિક્ષણ વિભાગ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.
આ પણ વાંચો: BZ કૌભાંડ: ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડથી બચવા હવાતિયાં, હાઈકોર્ટમાં કરી આગોતરા જામીન અરજી
સમગ્ર મામલામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. CIDની ટીમ દ્વારા સમગ્ર મામલે ગ્રોમોર કેમ્પસમાં તપાસ આદરી હતી. ભૂપેન્દ્ર ઝાલા પોલીસ પકડથી દૂર છે. આ દરમિયાન પોલીસે ભૂપેન્દ્રના મોટાભાઈ રણજીતની ધરપકડ કરી લેવામાં આવી છે.
23 બેંક એકાઉન્ટ હોવાનું જણાયું
કરોડોનું કૌભાંડ કરનારા BZ ગ્રુપના ફાઈનાન્સ સર્વિસના ચાર બેંક એકાઉન્ટ, રણજિતસિંહ ઝાલાના નામે ચાર બેંક એકાઉન્ટ, BZ મલ્ટી ટ્રે઼ડ, BZ ઈન્ટરનેશનલ બ્રોકિંગ અને પરબતસિંહ ઝાલાના ત્રણ-ત્રણ બેંક એકાઉન્ટ, મધુબહેન ઝાલાના નામે બે બેંક એકાઉન્ટ સહિત કુલ 23 જેટલા બેંક અકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે.