Amreli News : અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટરપેડ વોટ્સએપમાં વાઈરલ થતા પ્રમુખ એક્શનમાં આવ્યા છે. લેટરમાં સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડાયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં કોઈ શખસે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે નકલી લેટરપેડમાં નકલી સહી-સિક્કા કર્યા હતા અને લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મુક્યા હતા. આ મામલે પ્રમુખ કિશોર કાનપરીયાને માહિતી મળતાની સાથે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી અને પત્ર લખીને સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને અવગત કર્યા હતા.
પ્રમુખે સી.આર. પાટીલને લખ્યો પત્ર
મળતી માહિતી મુજબ, અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામના નકલી લેટરપેડ બનાવીને કોઈ શખસે તેને વોટ્સએપમાં વાઈરલ કર્યો હતો. લેટરમાં અમરેલીમાં પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવાનું કાવતરું કરાયું હતું. સમગ્ર મામલે પ્રમુખે સી.આર. પાટીલને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘સ્થાનિક સંગઠન મંડળ પ્રમુખની નિમણુંકમાં વિક્ષેપ ઉભો કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ સાથે કાર્યકર્તાઓનું મોરલ તોડવા અને પક્ષ ઉપર દબાણ ઉભું કરવા કોઈ હિતક્ષત્રુ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. જેને લઈને યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સી.આર. પાટીલને રજૂઆત કરવામાં આવી છે.’
ધારાસભ્ય પર ગંભીર આરોપ
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના વાઈરલ નકલી લેટરપેટમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વાઈરલ લેટર મુજબ, ‘કૌશિક વેકરીયા દારૂ, રેતી સહિતમાં દર મહિને 40 લાખ રૂપિયાનો હપ્તો હતા.’ ધારાસભ્ય પર ગંભીર આરોપો બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો અને પ્રમુખ કિશોર કાનપરીયાએ જિલ્લા પોલીસ વડાને આ મામલે રજૂઆત કરી હતી.