વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ૭૩મા પદવીદાન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપસ્થિત નહી રહી શકે.વડોદરાના સાંસદે ઉપરોક્ત જાણકારી શેર કરીને કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધનના કારણે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને તેના કારણે ઉપરાષ્ટ્રપતિ તા.૨૯મીએ યોજનારા પદવીદાન સમારોહમાં હાજર નહીં રહી શકે.
યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા છેલ્લા એક સપ્તાહથી પદવીદાન સમારોહના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.યુનિવર્સિટીના કોન્વોકેશન ગ્રાઉન્ડ પર શમિયાણો પણ બંધાઈ ગયો છે.ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેવાના છે તેવી જાહેરાત પણ તંત્ર દ્વારા ગઈકાલે કરવામાં આવી હતી.
હવે ઉપરાષ્ટ્રપતિએ વડોદરાની મુલાકાત રદ કરી છે ત્યારે યુનિવર્સિટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તા.૨૯મીએ અગાઉના શિડયુલ પ્રમાણે જ ૭૩મો પદવીદાન સમારોહ યોજવાનો નિર્ણય લીધો છે.આ સમારોહ સાદાઈથી યોજાશે.સત્તાધીશો પાસે નવા ચીફ ગેસ્ટને આમંત્રણ આપવાનો પણ સમય રહ્યો નહીં હોવાથી સમારોહમાં ચાન્સેલર અને વાઈસ ચાન્સેલરની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ૩૨૫ જેટલા ગોલ્ડ મેડલ અને ૧૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને વિવિધ કોર્સની ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે.
સમારોહનો પ્રારંભ સવારે ૧૦-૩૦ વાગ્યાથી થશે.જોકે સાદગીપૂર્ણ સમારોહ વચ્ચે પણ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના વી આર પ્રાઉડ ઓફ યુ કાર્યક્રમની તો વાઈસ ચાન્સેલરે બાદબાકી જ કરી નાખી છે.આમ સતત ત્રીજા વર્ષે આ કાર્યક્રમ નહીં યોજાય.
કોન્વોકેશન મુલતવી કરવામાં આવે તો વિદ્યાર્થીઓ ઉહાપોહ કરે તેવો ડર હતો
યુનિવર્સિટી સત્તાધીશોએ પદવીદાન સમારોહની તારીખમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય સાંજે યોજાયેલી બેઠકમાં લીધો હતો.વિદ્યાર્થીઓ એમ પણ ડિગ્રી મેળવવામાં થઈ રહેલા વિલંબથી કંટાળેલા છે ત્યારે હવે જો તારીખમાં ફેરફાર કરાય તો સત્તાધીશોને માછલા ધોવાશે તેવો ડર હતો.ઉપરાંત ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને સમારોહની જાણકારી પણ ઈ મેઈલ થકી મોકલી આપવામાં આવી હતી.સમારોહની તમામ તૈયારીઓ પણ થઈ ગઈ હોવાથી છેલ્લી ઘડીએ સમારોહ નહીંં યોજવાનો નિર્ણય લેવાય તો ખર્ચ માથે પડે તેમ હતો.જેના કારણે પદવીદાન સમારોહનું આયોજન યથાવ રાખવાનું નક્કી થયું હતું.આમ પહેલી વખત કોઈ ચીફ ગેસ્ટ વગર યુનિ.નું કોન્વોકેશન યોજાવા જઈ રહ્યું છે.