– મહેસાણાના વિસનગરના દવાડા ગામના ફાર્મમાં છુપાયો હતો
– બીઝેડ ફાઇનાન્સ હેઠળ અલગ અલગ કંપનીઓમાં રોકાણ પર બમણા વળતરની લાલચ આપીને ગુજરાતનું સૌથી મોટંુ પોન્ઝી કૌભાંડ આચર્યું હતું
અમદાવાદ : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બી ઝેડ ફાઇનાન્સના નામે અલગ અલગ કંપનીઓ બનાવીને ઓફિસો શરૂ કરીને રોકાણ પર બમણા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું મહાકૌભાંડ આચરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવામાં અંતે સીઆઇડી ક્રાઇમને સફળતા મળી છે. ભુપેન્દ્રસિંહ ઝાલા છેલ્લાં એક મહિનાથી ફરાર હતો. તેને ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ ટીમને કામગીરી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેને ટેકનીકલ સર્વલન્સને આધારે મહેસાણા જિલ્લાના વિસનગર નજીક આવેલા દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ કરતા હવે આ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
સાબરકાંઠા જિલ્લાના હિમતનગરમાં તેમજ ઉત્તર ગુજરાત , ગાંધીનગર અને મધ્યગુજરાતમાં બીઝેડ ફાઇનાન્સ હેઠળ અલગ અલગ કંપનીઓ ખોલીને લોકોને નાણાંના રોકાણની સામે બમણા વળતરની લાલચ આપીને છ હજાર કરોડ રૂપિયાનુ ગુજરાતનું સૌથી મોટુ કૌભાંડ આચરનાર મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાને સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ બાતમીને આધારે શુક્રવારે બપોરના સમયે મહેસાણા જિલ્લાના વિસનગરના દવાડા ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસમાંથી ઝડપી લીધો હતો.ભુપેન્દ્રસિંહ ઝાલા ધરપકડ બાદ તેને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ઓફિસ પર લઇ જવામાં આવ્યો છે. જ્યાંથી તેને શનિવારે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સીઆઇડી ક્રાઇમને હિંમતનગરમાં બીઝેડના નામે ચાલતા પોન્ઝી સ્કેમ અંગેની અરજી મળી હતી. જેના આધારે તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જો કે પોલીસ ફરિયાદ નોંધીને ધરપકડ કરે તે પહેલા જ ભુપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન પોલીસે તેના મુખ્ય એજન્ટ મયુર દરજી સહિત અનેક એજન્ટોની ધરપકડ કરીને ભુપેેન્દ્રસિંહની ઝડપી લેવા માટે અન્ય રાજ્યોમાં પણ તપાસ કરવાની સાથે લુક આઉટ નોટિસ પણ જાહેર કરી હતી.
બીજી તરફ ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થતા હવે તેની પુછપરછમાં અનેક ચોકાવનારી વિગતો સામે આવવાની શક્યતા છે. કરોડો રૂપિયાના કૌભાંડની રકમમાંથી તેણે હિંમતનગર સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ગ્રોમોરની ખરીદીની ડીલ કરી હતી. જે પૈકી તેણે રૂપિયા ૨૮ કરોડનો પ્રથમ હપતો પણ ટ્રસ્ટીઓને ચુકવ્યો હતો. પરંતુ, ગ્રોમોર એજ્યુકેશનની મિલકતોને ગીરવે મુકીને ૧૦ કરોડ રૂપિયા બીઝેડ ફાઇનાન્સમાં ટ્રાન્સફર કર્યા હતા. આ કેસની તપાસમાં પોલીસે ૧૦ કરોડ રૂપિયા લક્ઝુરીયસ કાર અને કરોડો રૂપિયાની મિલકતો જપ્ત કરી હતી.