Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો ત્રણ દિવસનો શાળા રમતોત્સવ આજે પૂર્ણ થશે. આજે છેલ્લા દિવસે ગ્રુપ રમતોની ફાઇનલ મેચો રમાશે. જેમાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, રસ્સા ખેંચ વગેરેનો સમાવેશ થાય છે.
તારીખ 27 ના રોજ રમતોત્સવનો પ્રારંભ થયો ત્યારે પ્રથમ દિવસે 100 અને 200 મીટર દોડ, કેરમ, લાંબી કુદ, ઉંચી કુદ, ગોળા ફેંક, બેઝબોલ, સ્ટેન્ડિંગ જમ્પ અને ચક્ર ફેકમાં 27 ગર્લ્સ વિજેતા થઈ હતી. દરેક ગેમમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ વિજેતા ઘોષિત કર્યા હતા. બીજા દિવસે બોયઝની રમતો થઈ હતી. જેમાં કેરમનો સમાવેશ કરાયો ન હતો. આઠ રમતમાં 25 વિદ્યાર્થી જીત્યા હતા. આજે છેલ્લા દિવસે ગ્રુપ રમતની મેચો ચાલી રહી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહનું અવસાન થતાં તેમના માનમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસના રમતોત્સવના અંતે પૂર્ણાહુતિ સમારોહ રાખવામાં આવશે નહીં. આ સમારોહ અને વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ હવે પછી રાખવામાં આવશે. રમતોત્સવ દરમિયાન શિક્ષકો વચ્ચે પણ જુદી જુદી રમતગમત સ્પર્ધા યોજાઈ હતી. માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે ત્રણ દિવસના રમતોત્સવમાં શિક્ષણ સમિતિની શાળાઓના આશરે 3860 બાળકો આ રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં 1,830 બોયઝ અને 1830 ગર્લ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 280 શિક્ષકો અને માધ્યમિક શાળાઓના 150 શિક્ષકો અને વિદ્યાર્થીઓ રમતગમત મહોત્સવમાં સામેલ થયા છે. સમિતિ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, સંઘ ભાવના, શિસ્ત જેવા ગુણોના વિકાસ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવે. આ તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ખેલમહાકુંભ અને ઓલીમ્પિક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવનાર છે.