Vadodara : વડોદરામાં નિઝામપુરા મેઇન રોડ પર નિઝામપુરા બસ ડેપોની સામે ગઈ સાંજે પાણી વિતરણના સમય વખતે વર્ષો જૂની 24 ઇંચ ડાયામીટરની પાણીની જર્જરીત લાઈન ડેમેજ થતાં રોડ ફાડીને પાણી બહાર નીકળી આવ્યું હતું. જેના કારણે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હતું, અને હજારો લિટર પાણીનો વેડફાટ થઈ ગયો હતો. આ જર્જરિત લાઈનનું રાત્રે જ રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને મોડી રાત સુધી આ કામ ચાલુ રાખી પૂર્ણ કરવામાં આવ્યું હતું.
વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ આ લાઈન વર્ષો જૂની છે, અને તે બદલવાની જરૂર છે. વારંવાર અહીં આ પ્રકારના લીકેજ થાય છે અને પાણીનો વેડફાટ થયા કરે છે. આવું જ લીકેજ સૈનિક છાત્રાલય પાસે પણ છે અને ત્યાં પણ પાઇપ બદલીને નવી નાખવાને બદલે થિગડા મારવામાં આવે છે જે યોગ્ય નથી. વારંવાર લીકેજ રીપેરીંગનો ખર્ચ કરવાને બદલે નવી પાઇપ નાખી દેવાથી પણ કોર્પોરેશનને આર્થિક ખર્ચ ઓછો થશે. તેમના કહેવા મુજબ આ વિસ્તારમાં એક જ એન્જિનિયર છે. જે બધી જગ્યાએ પહોંચી વળી શકતો નથી. કોર્પોરેશન દ્વારા જે કોન્ટ્રાક્ટરને મેન્ટેનન્સના કામ માટે રાખેલો છે તેની પાસે પૂરતા માણસો નથી, એટલે કામ કરી શકતા નથી. ગઈ સાંજે 7 વાગ્યે પાણી વિતરણ સમયે જર્જરિત લાઈનમાંથી પાણી બહાર નીકળ્યું હતું અને રોડ ઉપર ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણી નજીકની દુકાનોના બેઝમેન્ટમાં પણ ઘૂસી ગયા હતા. આ પાણીની લાઈન છાણીથી આવે છે અને ફતેગંજ તરફ જાય છે. રાત્રે 10:30 વાગ્યે જેસીબીથી ખોદકામ કરીને રીપેરીંગ કામ ચાલુ કર્યું હતું અને લાઈન પર વેલ્ડીંગ કરવાની કામગીરી મધ્ય રાત્રે પૂર્ણ કરી હતી. શહેરમાં પાણીની વર્ષો જૂની લાઈનો વારંવાર લીકેજ થવાના કારણે આવા બનાવો સતત વધી રહ્યા છે.