મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
દેશનો આર્થિક વૃદ્ધિદર (જીડીપ) 2024-25માં ચાર વર્ષમાં સૌથી નીચલા સ્તરે 6.4% રહી શકે છે. જે 6.6%ના RBIના અનુમાનથી પણ ઓછો છે. 2023-24માં ભારતે 8.2%નો અભૂતપૂર્વ વૃદ્ધિદર નોંધાવ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકસ ઑફિસે મંગળવારે જીડીપીનું પ્રથમ પૂર્વાનુમાન રજૂ કર્યું હતું. NSOએ દેશના ગ્રોસ આઉટપુટ અને આવકને દર્શાવતા ગ્રૉસ વેલ્યૂ એડેડ પણ 6.4%માં સીમિત રહેવાનું જણાવ્યું હતું. જે 2023-24માં 7.2% હતું. પ્રચલિત મૂલ્યોના આધાર પર નૉમિનલ જીડીપી 9.3% રહેશે, જે ગત વર્ષના 8.5%થી વધુ છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટમાં જીડીપી પહેલા પૂર્વાનુમાનનું વિશેષ મહત્ત્વ છે. સંકેત સ્પષ્ટ છે કે આર્થિક ગતિવિધિઓની ઝડપ ઘટી છે. અગાઉ જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વૃદ્ધિદર ઘટીને 5.4% રહ્યો હતો. જેને કારણે વિશ્લેષકો અને નીતિ નિર્માતાઓ પણ દ્વિધામાં મુકાયા હતા.
આગળ શું: સ્થિતિ એટલી ખરાબ નથી, દરોમાં કાપ નિશ્ચિત
- સ્થિતિ એટલી ખરાબ નથી. ટ્રેડવાૅરની આશંકાથી વૈશ્વિક વેપાર પ્રભાવિત થઇ શકે છે. તેની અસર જીડીપીના આંકડા પર જોવા મળશે. જોકે, ભારતને તહેવારોના મજબૂત માહોલ, એર ટ્રાફિકનો ફાયદો થયો. તેનાથી સર્વિસ સેક્ટરના PMI અને GST કલેક્શન વધ્યું.
- રોકાણ અને વપરાશનું વલણ આગામી સમયમાં વિકાસદર માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આગામી બજેટ અને RBIના ઉપાયો પર સૌનું ધ્યાન છે. નિશ્ચિત છે કે RBI ફેબ્રુઆરીમાં આયોજિત MPC બેઠકમાં વ્યાજદરોમાં કાપ મૂકશે. વર્ષ માટે રિયલ જીડીપીનું અનુમાન 6.8% રહેશે.
ઘટાડાનું કારણ…મોંઘવારી, ઉચ્ચ વ્યાજદર અને ટ્રેડવૉરનું દબાણ
- સારા ચોમાસા બાદ પણ જરૂરી વસ્તુઓના ભાવ વધુ હતા. ખાસ કરીને શાકભાજીના. જેને કારણે RBIએ રેપોરેટ ઘટાડ્યા નથી.
- મોંઘવારીને કારણે શહેરી ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી છે. તેને કારણે કારખાનાંઓની ગતિવિધિ ઘટી. મેન્યુફેક્ચરિંગ, વેપાર, હોટલ અને રિયલ એસ્ટેટ જેવાં સેક્ટરમાં અસર જોવા મળી.
- વિશ્વભરમાં વ્યાજદરો ઘટ્યા છે પરંતુ, RBIએ ડિસેમ્બરમાં દરો ઘટાડ્યા નહીં. તેનાથી ખર્ચ પણ વધ્યો છે.