Gujarat High Court On Chinese String : ઉત્તરાયણ તહેવારના હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો ઘાયલ થવાના કિસ્સા સતત વધી રહ્યા છે. ઉત્તરાયણ સમયે આ પ્રકારની ઘટના ઘણી વધી જાય છે. ઘણી વખત ચાઈનીઝ દોરીના કારણે લોકોના અને અબોલ પક્ષીઓ ગળા કપાતા મોતના બનાવો સામે આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતા ગુજરાતમાં તે આવે છે ક્યાંથી? ખુલેઆમ તેનું વેચાણ પણ થઈ રહ્યું છે, છતા પોલીસ કે તંત્ર કોઈ કાર્યવાહી કેમ નથી કરતું? આવા જ કેટલાક સવાલ સાથે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર રોક લગાવવાની માગ કરાઈ છે. જે મુદ્દે હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે અને જાહેર જગ્યાએ રંગવામાં આવતી દોરીની પણ તપાસ કરવાની સૂચના આપી છે.
નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી જરૂરી
રાજ્યમાં ચાઈનીઝ દોરીના કારણે ઘણા લોકોના ગળા કપાયા હોવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડાના લીલટછા ગામે બે દિવસ એક યુવકનું ચાઈનીઝ દોરીના કારણે ગળું કપાયું હતું. જો કે, તેને વહેલીતકે સારવાર આપતા યુવકનો જીવ બચી ગયો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને રૂ.5000નો દંડ ફટકારવામાં આવશે તેવું ગ્રામજનોએ નક્કી કર્યું છે.
આ પણ વાંચો: અમદાવાદના હિમાલયા મોલમાં લાગી આગ, ફાયર વિભાગની 6 ટીમ ઘટનાસ્થળે
તુક્કલના કારણે લાગે છે આગ
રાજ્યમાં છાનીછૂપી રીતે કેટલાક શખસો દ્વારા ચાઈનીઝ દોરી અને આકાશી તુક્કલનું વેચાણ કરતા હોય છે. જેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે. બીજી તરફ તુક્કલના કારણે આગ લાગવા જેવી ઘટના બનતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવા સરકારને સૂચના આપી છે.