ઉત્તરાયણના 2 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે
.
આ વખતે ઉત્તરાયણ પર પતંગરસિકોની મજા બગડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તરાયણના દિવસે સવારે 7થી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. એટલે કે, સવારે પવનની ગતિ સમાન્ય રહેતા સારી રીતે પતંગ ઉડાવી શકાશે. પરંતુ બપોર થતાં પવનની ગતિ મંદ થઇ શકે છે. જેથી બપોરના સમયે પતંગરસિકોએ પતંગ ઉડાવવા માટે થોડા વધારે ઠુમકા મારવા પડશે. પરંતુ સાંજના સમયે પવનની ગતિ વધુ સારી રહેવાની શક્યતા છે.
કમલેશ શાહનો દરોડામાં પકડાયેલ રોકડ રકમ પોતાની હોવાનો દાવો
અમદાવાદ આયકર વિભાગે અનોખી મોડસ ઓપરેન્ડી આચરતા એકમો તથા તેમના સંચાલકો પર દરોડા પાડ્યા છે. શુક્રવાર સવારે અમદાવાદ શહેરમાં 15 સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ઇન્કમટેકસના દરોડા દરમિયાન મળતી રોકડ રકમ માટે અમદાવાદ શહેરના સાયન્સ સિટી રોડ પર રહેતા કમલેશ રજનીકાંત શાહ પહોંચી જઇને તે રોકડ તેમની અથવા તેમની કંપનીની હોવાનો કલેઈમ કરતા હતા. સામાન્ય રીતે ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ સર્ચ કરે અને ત્યાંથી મળેલી રોકડ રકમ માટે કોઇ દાવો કરતું નથી પરંતુ, શહેરના સાયન્સ સીટી રોડ પર રહેતા કમલેશ રજનીકાંત શાહ દરેક દરોડા વખતે પહોંચી જઇને પકડાયેલી રોકડ તેમની હોવાનો કલેઈમ કરતા હતા. કમલેશ શાહની આ મોડસ ઓપરેન્ડી મુજબ અમદાવાદમાં જ નહીં સમગ્ર ગુજરાત, દિલ્હી, ચેન્નાઇ, રાચી, મુંબઇ જેવી અનેક જગ્યાએ તેમણે રોકડ રકમ તેમની હોવાનો કલેઇમ કર્યો છે. આ દરોડાની કાર્યવાહી ચાલુ હોવાથી હાલ કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી.
બુકમાય શોની વેબસાઈટમાંથી કોલ્ડપ્લેનું પેજ ગાયબ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર કોલ્ડપ્લેના મ્યુઝિક ઓફ ધ સ્પીયર્સ વર્લ્ડ ટુરને લઇને વિવાદ સર્જાયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિમયમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે જેની હજારો ટિકિટ ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી, પરંતુ પછી બુકમાય શો દ્વારા જાણ કરવામાં આવી કે, કોલ્ડપ્લેમાં આવો તો સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા નથી. જેથી પ્રેક્ષકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવવાનું રહેશે. જો કે, દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ કોલ્ડપ્લે અને બુકમાય શો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, જે લોકો કોન્સર્ટમાં આવવાના છે તેઓ માટે 2 જેટલા પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. પરંતુ હવે બુકમાય શો પોર્ટલ પરથી શોની બધી જ માહિતી સાથેનું કોલ્ડપ્લેનું પેજ જ અચાનક ગાયબ થઈ ગયું છે. જેના કારણે 1 લાખ જેટલા ટિકિટ ધારકો મૂંઝવણમાં મૂકાયા છે.
ગોપાલ કંપનીના ગાંઠિયામાંથી મરેલો ઉંદર નીકળ્યો
હિંમતનગરના પ્રેમપુર ગામે એક પરિવારે ખરીદેલા ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો. પરિવાનું કહેવું છે તેમણે આ ગાંઠિયા બાળકીને ખવડાવ્યા હતા. જે બાદ બાળકી બીમાર થઈ ગઈ છે. પરિવારે આ અંગે ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી કંપની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
લેટરકાંડ મામલે ભાજપ MP રૂપાલાનું નિવેદન
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતાં લેટરકાંડ મામલે આરોપી તરીકે પાટીદાર યુવતીની ધરપકડ કરી તેનું સરઘસ કાઢવામાં આવતા રાજકારણ ગરમાયું છે. જે મામલે પાટીદાર દીકરીને ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું છે. ત્યારે હવે અમરેલી લેટરકાંડ મામલે ભાજપ MP રૂપાલાનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેઓએ દીકરી સાથે અયોગ્ય થયું હોવાનો સ્વીકાર કર્યો છે.
બાળકીનું મોત થતા પરિવારનો તબીબ પર બેદરકારીનો આક્ષેપ
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડાની તકલીફ સાથે લવાયેલી 3 મહિનાની બાળકીનું મોત થયું હતું. ડોક્ટરોની બેદરકારીને કારણે બાળકીનું મોત થયું હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલાં સિવિલ હોસ્પિટલનાં મહિલા સુપરિન્ટેન્ડન્ટે પણ પરિવારને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો. આક્ષેપોના પગલે કમિટીની રચના કરીને તપાસ પણ કરવામાં આવી રહી છે, જોકે મૃતક બાળકીનાં પરિવારજનો દ્વારા ડોક્ટરો સાથે પણ અભદ્ર વર્તન કરવા સાથે જ જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. જેથી આક્ષેપોના પગલે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે કમિટીની રચના કરીને સમગ્ર મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે.
સુરતમાં 30 વર્ષીય યુવકનો આપઘાત
સુરતના ભટાર વિસ્તારમાં રહેતા 30 વર્ષીય પરણિત યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બેકારીના કારણે અને ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે ટેન્શનમાં આપઘાત કરી લીધો હતો. જેથી પત્ની અને સંતાનો નોંધારા થઈ ગયા છે.