વડોદરા,મોડીરાતે વાઘોડિયા ચોકડીથી કપુરાઇ ચોકડીની વચ્ચે ટ્રેલર ચાલકે બાઇક સવારને કચડી નાંખતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું.
કરજણ નવા બજાર સોમનગરમાં રહેતો ૨૬ વર્ષનો જયરાજસિંહ ઇન્દ્રસિંહ ચાવડા અને તેના ત્રણ મિત્રો ગઇકાલે બે બાઇક લઇને કરજણથી વડોદરા મિત્રોને મળવા માટે સવારે આવ્યા હતા.રાતે એક વાગ્યે ચારેય મિત્રો બે બાઇક પર ઘરે પરત જતા હતા.એક બાઇક જયરાજ ચલાવતો હતો. તેની પાછળ જયેશ રોહિત બેઠો હતો. તે સમયે વાઘોડિયા ચોકડીથી કપુરાઇ ચોકડીની વચ્ચે એક ટ્રેલરના ચાલકે તેઓની બાઇકને જમણી તરફથી ટક્કર મારતા બંને મિત્રો રોડ પર ફંગોળાયા હતા. ટ્રેલરના તોતિંગ પૈંડા જયરાજ પર ફરી વળતા તેના માથાના ફૂરચા થઇ ગયા હતા અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. આ અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી ટ્રેલર ચાલકની શોધખોળ હાથ ધરી છે.