Gujarat Police : ગુજરાત પોલીસ બેડામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. સાબરમતી સેન્ટ્રલ જેલ ગુજરાતની સૌથી મોટી સુરક્ષિત જેલ હોવાના દાવા કરવામાં આવે છે. ત્યારે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસ બેડાનું નાક કપાયું છે. ફરાર કેદીને વિરૂદ્ધ રાણીપ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ખાતે આવેલી સાબરમતી જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી બિમાર હોવાથી જેલની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. આ દરમિયાન તે પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. મનુજી ઠાકોર નામનો આરોપી હારીજમાં હત્યાના કેસમાં સજા ભોગવી રહ્યો હતો. જેને લઇને રાણીપ પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
બે દિવસ પહેલાં દુષ્કર્મનો આરોપી થયો હતો ફરાર
બે દિવસ પહેલાં રાજકોટમાં જેલમાં બંધ આરોપીના કેસની ટ્રાયલ શરૂ થતાં પોલીસ જાપ્તા સાથે અમદાવાદ ખાતે આવેલી સિટી સેસન્સ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે પાકા કામનો આ આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. રાજકોટ જેલમાં બંધ રાધેશ્યામ ઉર્ફે ગોપાલ ઉર્ફે કુલદીપ રાજદેવ વિરૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ બળાત્કારનો ગુનો નોંધાયો છે. કોર્ટની કાર્યવાહી પુરી થતાં તેને રાજકોટ લઇ જવાની તૈયારી ચાલી રહી હતી. ત્યારે લાલ દરવાજા પાસે ભીડનો લાભ લઇને ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી. આ અંગે કારંજ પોલીસે ગુનો નોંધ્યો હતો.