ઉત્તરાયણ પર્વની પૂર્વ તૈયારીના ભાગરૂપે વલસાડ સીટી પોલીસે ચાઈનીઝ દોરીના વેચાણ સામે મોટું પગલું ભર્યું છે. સીટી PI ડી.ડી. પરમારે દોરી-પતંગના વેપારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે ચાઈનીઝ દોરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
.
પોલીસે એક નવતર પહેલ કરતાં વેપારીઓ સાથે સોશિયલ મીડિયા ગ્રુપ બનાવ્યું છે, જેમાં ચાઈનીઝ દોરી ખરીદવા આવનાર ગ્રાહકોના ફોટા શેર કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, વેપારીઓને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અને વેચાણ સ્થળે ટ્રાફિક જામ ન થાય તેની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.
PI પરમારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ વેપારી કે સ્ટોલધારક ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા પકડાશે તો તેમની વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પગલાંથી ઉત્તરાયણ દરમિયાન થતી દુર્ઘટનાઓને રોકવામાં મદદ મળશે અને સલામત રીતે તહેવારની ઉજવણી થઈ શકશે.