29 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. સૂર્યનું મકરથી મિથુન રાશિ સુધીના ભ્રમણ ઉત્તરાયણ અને કર્કથી ધન રાશિનું ભ્રમણ એ દક્ષિણાયન કહેવાય છે. સૂર્યનો મકર રાશિમાં જ્યારે પ્રવેશ થાય છે તેને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસથી સર્વ પ્રકારનાં શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ જ દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી થવાની શરૂઆત થાય છે. આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે રાશિ મુજબ દાનનો સમય સવારે 08.56થી સાંજે 6.24 સુધી છે.
મકર સંક્રાંતિએ દાનનો મહિમા શાસ્ત્રાનુસાર उतरे त्वयने विप्रे, वस्त्र दान महाफलम। तिल पूर्ण मनडवाह, दंत्वा रोगे प्रमुचयाते અર્થાત્, ઉત્તરાયણના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ અને મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે. સંક્રાંતિના દિવસે તલ, વસ્ત્ર, ગોળ, વાસણનું દાન આપવું. તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્ત દાન કરવું. આપણી સંસ્કૃતિમાં બહેન-દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ આ પ્રથાને આનુષંગીક જ છે. આ પવિત્ર દિને ગાયોને ઘાસ ચારો નિરવો, ગરીબોને અન્ન, ગરમ વસ્ત્રોનું દાન આપવું, તલનું દાતણ કરવું, તલના તેલનું માલિશ કરવું, તલ અને ગોળ આરોગવા. આયુર્વેદની દૃષ્ટિએ તલ અને ગોળની પ્રકૃતિ ગરમ હોવાથી શિયાળાની ઠંડી ઋતુમાં શરીરને ગરમાવો મળે તે આશય પણ આ પરંપરા પાછળ રહેલો છે.
મકરસંક્રાંતિ સાથે જોડાયેલી માન્યતાઓ
- આ સંક્રાંતિ પર ઠંડીની મોસમ હોય છે, તેથી આ દિવસે ગરમાગરમ સ્વાદ સાથે તલ-ગોળના લાડુ ખાવાની પરંપરા છે અને જરૂરિયાતમંદ લોકોને તલ-ગોળ મળી રહે તે માટે સંક્રાંતિ પર દાન કરવાની પરંપરા છે.
- વિટામિન D સૂર્યમાંથી મળે છે, જે હાડકાં અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઠંડીના દિવસોમાં આપણે ગરમ કપડાં પહેરીએ છીએ, જેના કારણે સૂર્યપ્રકાશ સીધો શરીરમાં પહોંચતો નથી, જેના કારણે આપણને વિટામિન D નથી મળી શકતું. સંક્રાંતિ પર પતંગ ઉડાવવામાં આવે છે, જેથી લોકો થોડો સમય સીધા સૂર્યપ્રકાશમાં રહી શકે અને સ્વાસ્થ્ય લાભ મેળવી શકે.
- આ સંક્રાંતિ પર ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પછી નદીના કિનારે દાન કરવાની પરંપરા છે.
(માહિતી સૌજન્યઃ જ્યોતિષી આશિષ રાવલ)