અંજાર શહેરના જાણીતા રાજકીય અને સામાજિક અગ્રણી ભરત શાહનું આજે વહેલી સવારે મુંબઈમાં હૃદયરોગના હુમલાથી 63 વર્ષની વયે દુःખદ અવસાન થયું છે. તેઓ એક મિત્રની સારવાર માટે મુંબઈ ગયા હતા, જ્યાં રાત્રે લગભગ 2 વાગ્યે તેમને હૃદયનો હુમલો આવ્યો હતો.
.
ભરત શાહે રાજકીય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ ભાજપ પક્ષમાંથી અંજાર નગરપાલિકાના નગરસેવક તરીકે ચૂંટાયા હતા, જ્યાં તેમણે એક ટર્મ પ્રમુખ અને બીજી ટર્મમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી. જિલ્લા ભાજપમાં પણ તેઓ ઉપપ્રમુખ અને મંત્રી જેવા મહત્વના પદો પર રહ્યા હતા.
જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા ભરત શાહ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર હતા. તેઓ અંજાર પાંજરાપોળ અને એન.કે.ટી. ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા. 2001ના ભૂકંપમાં તેમના પત્ની શિલ્પાબેન અને દીકરી અંજલિને ગુમાવ્યા હતા.
તેમના અવસાનથી જૈન સમાજ અને સમગ્ર અંજાર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમના પુત્ર દર્શન, પૌત્ર દર્શ અને મોટાભાઈ જગદીશભાઈ શાહ સહિતનો પરિવાર શોકમાં છે. સમાજસેવી ડેની શાહે જણાવ્યું કે ભરતભાઈના અવસાનથી સમાજને મોટી ખોટ પડી છે.