Accident Incident : ગુજરાતમાં વડોદરા, આણંદ જિલ્લામાં ત્રણ અકસ્માતની ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં વડોદરાના કરજણ નેશનલ હાઈવે પર એકબીજા પાછળ 5 વાહનો ધડાધડ અથડાતા પોલીસની PCR વાન પણ અકસ્માતનો ભોગ બની હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર 5 વાહનો ધડાધડ અથડાયા
વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર ભરથાણા ટોલનાકા પાસે એકબીજા પાછળ 5 વાહનો ધડાધડ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ભરૂચથી વડોદરા તરફ જતા હાઈવે પર આઈસરે અકસ્માત સર્જ્યો હતો. આ પછી પાછળ આવતા અન્ય વાહનો પણ ધડાધડ ભટકાયા હતા. અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની ઘટનામાં પોલીસની PCR વાન પણ ઝપટમાં આવી ગઈ હતી. જો કે, 5 વાહનો અથડાવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાની સ્થળ પર દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી.
2 ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 1નું મોત, 3 ઈજાગ્રસ્ત
જ્યારે વડોદરાના ડેસરમાં ઉદલપુર માર્ગ પર વેજપુરની નવી નગરી પાસે 2 ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 1નું મોત નીપજ્યું હતું, જ્યારે 3 ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: કેશોદમાં તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ, ભૂવા સામે નોંધાઈ ફરિયાદ
આણંદમાં ગંભીર અકસ્માતમાં 2ના મોત
આણંદના પણસોરા-વણસોલ માર્ગ પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું. જેમાં અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં 2ના મોત નીપજ્યા હતા. અકસ્માતની ઘટના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવીને મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી.