સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગઈકાલે મધ્યરાત્રિએ થયેલી ત્રણ કાર શોરૂમમાં ચોરીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. ત્રણ અજાણ્યા તસ્કરોએ રાત્રે પોણા બેથી સાડા ત્રણ વાગ્યા દરમિયાન ત્રણ અલગ-અલગ કાર શોરૂમને નિશાન બનાવ્યા હતા.
.
સૌથી મોટી ચોરી બોડા તળાવ સામે આવેલા ટાટા શોરૂમમાંથી થઈ હતી, જ્યાં તસ્કરોએ કેશિયર કેબિનના બે ટેબલના ડ્રોવર તોડીને ૧૦.૨૨ લાખ રૂપિયાની રોકડ રકમ ચોરી લીધી હતી. ત્યારબાદ તેઓએ બાજુમાં આવેલા નેક્ષા વર્કસ શોપમાંથી ૧.૧૬ લાખ રૂપિયા અને માર્કેટિંગ યાર્ડ સામે સ્થિત મારુતિ અરેના શોરૂમમાંથી ૧.૦૭ લાખ રૂપિયાની ચોરી કરી હતી. કુલ મળીને તસ્કરોએ ૧૨,૪૬,૨૬૬ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી.
પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. શોરૂમના સીસીટીવી ફૂટેજમાં ત્રણ તસ્કરો કેદ થયા છે, જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં સુરક્ષાની ચિંતા ઊભી કરી છે, કારણ કે ત્રણેય શોરૂમ મુખ્ય વિસ્તારમાં આવેલા છે.