અમદાવાદ25 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય શેરમાર્કેટ માટે કમૂરતા પૂરા થઇ ગયા હોય તેવો આશાવાદ રોકાણકારો દર્શાવી રહ્યાં છે. જિયો પોલિટિકલ ઇશ્યુ હળવા થયા છે ખાસકરીને ઇઝરાયલ હમાસ યુધ્ધ વિરામના પગલે મોમેન્ટમ પોઝિટીવ બન્યું છે આ ઉપરાંત અમેરિકામાં ફુગાવો ઘટીને આવતા વ્યાજદર ઘટાડાનો માર્ગ મોકળો બન્યો છે. યુએસ બોન્ડ યિલ્ડમાં ઘટાડો થવા સાથે વૈશ્વિક બજારોમાં સુધારા તરફી ટ્રેન્ડ રહ્યો હતો. સેન્સેક્સ છેલ્લા ત્રણ દિવસમાં 713 પોઇન્ટ અને નિફ્ટી 226 પોઇન્ટ સુધર્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં ખરીદીએ સેન્ટિમેન્ટને વેગ આપ્યો હતો જેના કારણે સેન્સેક્સ 318.74 પોઈન્ટ વધીને 77000ની સપાટી કુદાવી 77042.82 પહોંચ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં 595.42 પોઈન્ટ વધી 77319.50 પર પહોંચ્યો હતો. નિફ્ટી 98.60 પોઈન્ટ વધીને 23311.80 પર પહોંચ્યો હતો. રોકાણકારોની મૂડી વધી 428.55 લાખ કરોડ પહોંચી છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ફરી નબળો પડી 86.56 રહ્યો હતો.
સેન્સેક્સ પેકમાં અદાણી પોર્ટ્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, મારુતિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એક્સિસ બેંક સૌથી વધુ વધ્યા હતા. સ્મોલકેપ 1.43 ટકા જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 0.92 ટકા વધ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં સર્વિસિસ 1.93 ટકા, ઔદ્યોગિક 1.73 ટકા, મેટલ 1.63 ટકા, ટેલિકોમ 1.61 ટકા, કેપિટલ ગુડ્સ 1.56 ટકા અને કોમોડિટીઝ 1.51 ટકા વધ્યા હતા. વૈશ્વિક બજારોમાં મજબૂત સ્થિતી જોવા મળી હતી.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, FIIની 4342 કરોડની વેચવાલી
માર્કેટબ્રેડ્થ પોઝીટિવ રહેવા સાથે સેન્ટીમેન્ટ સાવચેતી તરફીનું રહ્યું છે. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 4067 પૈકી 2778 સ્ક્રીપ્સમાં સુધારો અને 1188 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ હજુ સલામતી તરફીનું રહ્યું છે. સેન્સેક્સ પેકમાં 20 સ્ક્રિપ્સ વધી હતી. 98 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચ સામે 63 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ જોવા મળી હતી. જ્યારે 11 સક્રીપ્સમાં અપર સર્કિટ તથા 1 સ્કીપ્સમાં લોઅર સર્કિટ લાગી હતી. વિદેશી રોકાણકારોની 4341.95 કરોડની વેચવાલી સામે સ્થાનિક રોકાણકારો દ્વારા 2928.72 કરોડની ખરીદી રહી હતી. ચાલુ માસમાં સરેરાશ 30000 કરોડથી વધુ એફઆઇઆઇની વેચવાલી રહી છે.
એન્જલ વને રોકાણકારોને છેતરપિંડી અંગે સાવચેત કર્યા
એન્જલ વન લિમિટેડ એન્જલ વનના નામનો દુરુપયોગ કરતા અને તેના સિનિયર એક્ઝિક્યુટિવ્સ હોવાનો દેખાડો કરતા છેતરપિંડીયુક્ત સોશિયલ મીડિયા ગ્રુપ્સની વધી રહેલી સંખ્યા અંગે રોકાણકારોને ચેતવ્યા છે. કંપનીએ નોંધ્યું છે કે એન્જલ વન સાથે સંકળાયેલા હોવાનો ખોટો દાવો કરતા સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર અનેક બિનઅધિકૃત ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જેનાથી સામાન્ય પ્રજા ગેરમાર્ગે દોરાઇને એમ માને છે કે તેઓ એન્જલ વન લિમિટેડ સાથે સંકળાયેલા છે.