કચ્છના નલિયામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ફૂંકાતા તીવ્ર પવનને કારણે ઠંડીનો માર વધ્યો છે. નલિયામાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાતા, તે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે.
.
નલિયામાં તાપમાનનો પારો સતત સિંગલ ડિજિટમાં રહેતા ‘કચ્છી કાશ્મીર’ તરીકે ઓળખાતા આ શહેરમાં દિવસે પણ ઠંડીની તીવ્ર અનુભૂતિ થઈ રહી છે. સરેરાશ 10થી 12 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનને કારણે લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. સવારે બજારો મોડી ખૂલે છે અને સાંજ પડતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં તાપણાંની સંખ્યા વધી જાય છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, નલિયાની ભૌગોલિક સ્થિતિને કારણે શિયાળામાં ઠંડીની અસર વધુ અનુભવાય છે. આ ઠંડીની અસર માત્ર માનવજીવન પર જ નહીં, પરંતુ પશુધન પર પણ જોવા મળે છે. તીવ્ર ઠંડીને કારણે દૂધાળા પશુઓના દૈનિક દૂધ ઉત્પાદનમાં એક લીટર જેટલો ઘટાડો નોંધાયો છે, જે માલધારીઓ માટે આર્થિક નુકસાનનું કારણ બની રહ્યું છે.
જિલ્લા મથક ભુજમાં પણ લઘુતમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી એક દિવસ સુધી ઠંડી અને પવનનું જોર યથાવત રહેશે, ત્યારબાદ થોડા દિવસ માટે આંશિક રાહત મળશે. જો કે, જાન્યુઆરી માસના અંત સુધી જિલ્લામાં કડકડતી ઠંડી ચાલુ રહેવાની સંભાવના છે.