જુનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આકરી ઠંડી અને તીવ્ર પવન વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. 12 ડિગ્રી તાપમાન અને તીવ્ર પવન વચ્ચે પણ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ભગવાન દત્તાત્રેય અને મા અંબાના દર્શન માટે પર્વત ચઢી રહ્યા છે.
.
વહેલી સવારે 4 વાગ્યાથી જ પરિવાર અને નાના બાળકો સાથે શ્રદ્ધાળુઓ હાથમાં લાકડીનો ટેકો લઈને યાત્રા શરૂ કરી રહ્યા છે. માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર ભારતમાંથી દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વતની યાત્રા કરે છે.
પુના, મહારાષ્ટ્રથી આવેલા શીતલ તાવડેએ જણાવ્યું કે, તેમની લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તેઓ ભગવાન દત્તાત્રેયના દર્શન માટે આવ્યા છે. તેમના મતે, વહેલી સવારનું વાતાવરણ અત્યંત રમણીય છે અને દરેક વ્યક્તિએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગિરનારની યાત્રા કરવી જોઈએ.
અમરેલીથી આવેલા ઓમ રાઠોડે જણાવ્યું કે શિયાળાની ઠંડીમાં ગિરનાર ચઢવાની એક અલગ જ મજા છે. તેમના મિત્રો સાથે આવ્યા હોવાથી તેમને વિશ્વાસ છે કે યાત્રા સરળતાથી પૂર્ણ થશે. જેમ જેમ ઊંચાઈ વધે છે, તેમ તેમ પવનની ગતિ અને ઠંડીમાં વધારો થતો જાય છે, પરંતુ શ્રદ્ધાળુઓની ભક્તિભાવના આગળ આ પડકારો નાના લાગે છે.
અમરેલી થી આવેલા ભવ્ય ચૌહાણ ને જણાવ્યું હતું કે હું મારા મિત્રો સાથે ગિરનાર ચડવા માટે આવ્યો છું અને હાલ અહીં ખૂબ જ વધુ પ્રમાણમાં ઠંડી છે અને પવન પણ ખૂબ ફૂકાઈ રહ્યો છે. જેમ જેમ ગિરનાર ચડતા જઈશું તેમ તેમ ઠંડીમાં પણ વધારો થતો જશે. મિત્રો સાથે ગિરનાર આવવાની મજા અલગ છે. ત્યારે હું મારા મિત્રો સાથે આનંદ કરતો કરતો ગિરનાર ચડી જઈશ.
મધ્યપ્રદેશથી આવેલા રામસિંહ ગુજ્જરે જણાવ્યું હતું કે 70 યાત્રાળુ અમે ગિરનાર ચડવા માટે આવ્યા છીએ. હાલ જ્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે અમને પૂરો વિશ્વાસ છે કે ગિરનાર ચડતા સમયે ઠંડનો અહેસાસ નહીં થાય. અત્યારે સાડા ત્રણ વાગ્યે કરતી ઠંડીમાં 70 લોકો અમે ગિરનાર પર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અમને પરમેશ્વર પર ભરોસો છે જેથી અમને ઠંડીની કોઈ પરવા નથી અને એટલા માટે જ અમે આટલી ઠંડીમાં ગિરનાર ચડવા જઈ રહ્યા છીએ..