આણંદના ગામડી પોલીસ ચોકીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકને પોલીસકર્મી દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
.
ઘટના મુજબ, ત્રિકમનગર વિસ્તારના રહેવાસી 40 વર્ષીય અશોકભાઈ ચૌહાણના ભાઈને ટેમ્પો ડ્રાઈવરે અકસ્માત કર્યો હતો. અકસ્માતની ફરિયાદ નોંધાવવા માટે અશોકભાઈ આરોપી ટેમ્પો ડ્રાઈવરને લઈને ગામડી પોલીસ ચોકીમાં ગયા હતા. પરંતુ ત્યાં હાજર પોલીસકર્મી જામભાએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું અને જાતિ વિષયક અપશબ્દો બોલીને માર માર્યો હતો.
પોલીસકર્મીના મારના કારણે અશોકભાઈના કાનમાંથી લોહી નીકળ્યું હતું અને તેઓ બેભાન થઈ ગયા હતા. તેમની દીકરી તેમને ત્યાંથી બહાર લઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત અશોકભાઈને પ્રથમ આણંદ જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અશોકભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને પોલીસની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.