ટેલ અવીવ30 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલ દ્વારા 95 પેલેસ્ટાઈન કેદીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમને રવિવારે મુક્ત કરવામાં આવશે.
ઇઝરાયલની કેબિનેટે શનિવારે એટલે કે આજે હમાસ સાથે સીઝફાયર ડીલને મંજૂરી આપી છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, આ યુદ્ધવિરામ રવિવાર એટલે કે આવતીકાલથી અમલમાં આવશે. ઇઝરાયલના મંત્રીઓએ કરારની તરફેણમાં 24-8 મત આપ્યો. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસે શનિવારે સવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સરકારે બંધકોની વાપસીની યોજનાને મંજૂરી આપી દીધી છે.
આ ડીલ 3 તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં હમાસ ઇઝરાયલમાંથી અપહરણ કરાયેલા 33 બંધકોને મુક્ત કરશે. તેમજ ઇઝરાયલની સેના ગાઝા બોર્ડરથી 700 મીટર દૂર પાછળ હટશે. ઇઝરાયલના ન્યાય મંત્રાલયે 95 પેલેસ્ટિનિયન કેદીઓની યાદી જાહેર કરી છે, જેમને રવિવારે મુક્ત કરવામાં આવશે. જેમાં 69 મહિલાઓ, 16 પુરૂષો અને 10 સગીરોનો સમાવેશ થાય છે.
ઇઝરાયલ 700થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. આ લોકોના નામની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સામેલ ઘણા લોકો હમાસ અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદના સભ્યો સહિત હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ ઇઝરાયલમાં ઘૂસીને 1200 લોકોની હત્યા કરી હતી અને 251ને બંધક બનાવ્યા હતા. તેના થોડા કલાકો બાદ ઇઝરાયલની સેનાએ ગાઝા પર હુમલો કર્યો હતો.
બંધકોને ત્રણ તબક્કામાં મુક્ત કરવામાં આવશે
15 જાન્યુઆરીએ જો બાઈડને કહ્યું કે આ ડીલ 19 જાન્યુઆરી રવિવારથી ત્રણ તબક્કામાં શરૂ થશે. આમાં 42 દિવસ સુધી બંધકોની આપ-લે કરવામાં આવશે.
પ્રથમ તબક્કો:
- ગાઝામાં 19 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી સંપૂર્ણ યુદ્ધવિરામ રહેશે. હમાસ ઇઝરાયલના 33 બંધકોને મુક્ત કરશે. ઇઝરાયલ તેના એક બંધકના બદલામાં દરરોજ 33 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. દરેક ઇઝરાયલ મહિલા સૈનિક માટે, 50 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે.
બીજો તબક્કો:
- જો પ્રથમ તબક્કાના 16મા દિવસે એટલે કે 3જી ફેબ્રુઆરી સુધી બધું બરાબર રહેશે તો બીજા તબક્કાની યોજના પર વાતચીત શરૂ થશે. આ દરમિયાન કોઈ હુમલો કરવામાં આવશે નહીં. બચી ગયેલા બાકીના બંધકોને મુક્ત કરવામાં આવશે.
- ઇઝરાયલ 1,000 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે, જેમાં લગભગ 190 કેદી એવા છે જેઓ 15 વર્ષથી વધુ સમયથી સજા ભોગવી રહ્યા છે.
ત્રીજો તબક્કો:
- આ ડીલના છેલ્લા તબક્કામાં ગાઝાનું પુનર્વસન કરવામાં આવશે. આમાં 3 થી 5 વર્ષનો સમય લાગશે. હમાસ દ્વારા માર્યા ગયેલા બંધકોના મૃતદેહો પણ ઇઝરાયલને સોંપવામાં આવશે.
ગાઝામાં બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ ડીલ અંગે મે 2024 સુધી વાતચીત ચાલુ હતી. આને લઈને દેશમાં એક વર્ષથી દેખાવો ચાલી રહ્યા હતા.
આ ડીલ અંગે કતારમાં કેટલાય અઠવાડિયાથી ચર્ચા ચાલી રહી હતી
કતારની રાજધાની દોહામાં છેલ્લા ઘણા અઠવાડિયાથી યુદ્ધવિરામ માટેની વાટાઘાટો ચાલી રહી હતી. આ વાતચીતમાં ઈજિપ્ત અને અમેરિકા પણ સામેલ હતા. અલ જઝીરાના અહેવાલ મુજબ, કતારના પીએમ થાનીએ બુધવારે હમાસ અને ઇઝરાયલના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ આ ડીલ પૂર્ણ થઈ હતી.
પ્રથમ તબક્કાના બંધકોને મુક્ત કર્યાના 15 દિવસ બાદ હમાસ બાકીના બંધકોને મુક્ત કરશે. આ દરમિયાન બંને પક્ષો કાયમી સીઝફાયર અંગે વાત કરશે.
ડીલ કતાર અને અમેરિકા દ્વારા કરવામાં આવી હતી
ઇજિપ્ત, કતાર અને અમેરિકાની મદદથી કતારની રાજધાની દોહામાં આ સમજુતી પર વાટાઘાટો કરવામાં આવી હતી. ઇઝરાયલનું પ્રતિનિધિત્વ મોસાદ ચીફ ડેવિડ બાર્નિયા અને શિન બેટ ચીફ રોનેન બારે કર્યું હતું. તેમજ, યુએસ તરફથી ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને બાઈડનના દૂત બ્રેટ મેકગર્ક અહીં હાજર હતા.