વડોદરા,સુભાનપુરા વિસ્તારની એક હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાથી નોકરી કરતી ૨૨ વર્ષની યુવતીને ખેંચીને ત્રીજા માળે લઇ જઇ દુષ્કર્મ ગુજારનાર વિધર્મીને આજે પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. અદાલતે આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સુભાનપુરાની આધાર હોસ્પિટલમાં નોકરી કરતી ૨૨ વર્ષની યુવતી વાસી ઉત્તરાયણના દિવસે તે નોકરી પર હતી. હોસ્પિટલમાં કામ કરતા ટેકનિશિયન અશરફ ચાવડા ખોટું બોલીને તેને ઉપરના માળે લઇ ગયો હતો. જ્યાં તેણે યુવતી સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ આચર્યુ હતું. આ ગુનામાં પોલીસે અશરફ જીણાભાઇ ચાવડા, ઉં.વ.૨૮ ( રહે. આધાર હોસ્પિટલ ઝાંસીની રાણી સર્કલ પાસે, વડોદરા તથા મૂળ રહે. શેઢાયા,તા.કોડિનાર, જિ. ગીર) ની ગઇકાલે સાંજે પાંચ વાગ્યે ધરપકડ કરી હતી. એસ.સી.એસ.ટી. સેલના એ.સી.પી. એ આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરતા પાંચ મુદ્દાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપી તપાસમાં મદદરૃપ થતો નથી. આરોપીએ અન્ય યુવતીઓ સાથે આવી રીતનો ગુનો કર્યો હોવાની શંકા છે. જે અંગે તપાસ કરવાની છે.આરોપીને આ ગુનામાં અન્ય કોઇએ મદદ કરી છે કે કેમ ? તેની પણ તપાસ કરવાની છે. આરોપીને સાથે રાખી બનાવવાળી જગ્યાનું રિકન્સટ્રક્શન પંચનામુ કરવાનું છે. તેમજ અન્ય પુરાવાઓ એકત્રિત કરવાના છે. સરકારી વકીલ ડી.જે.નાળિયેરીવાળાની રજૂઆતો ધ્યાને લઇ ન્યાયાધીશ એસ.બી. મનસુરીએ આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.