.
એક પણ વૃક્ષ નહીં કાપી જુના કાટમાળના લાકડાનો જ પુનઃઉપયોગ કરી પોતાનું નાનું સુંદર ગામ ફલધરામાં નવ નિર્મિત ઘર ધરમપુરના તબીબનો પર્યાવરણ અને પક્ષી પ્રેમ તથા માતૃભૂમિ પ્રત્યેની લાગણી ઉજાગર કરતું પ્રતિત થાય છે. પર્યાવરણની સાથે મકાનની ફરતે દીવાલમાં અબોલ પક્ષીઓના આશ્રયસ્થાન એવા પક્ષી માળા, પક્ષીઓની તરસ છીપાવવા આંગણામાં પાણીનો કુંડ, પતંગિયા, પક્ષીઓને આકર્ષતા ફળ અને ફૂલ ઝાડોનું વાવેતર તેમજ દેશી બિયારણના વેલાવાળી જૈવિક શાકભાજી તથા ત્રણ બોરમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ થકી નવું ઘર પર્યાવરણને અનુરૂપ અને પ્રકૃતિનું નજીક લઈ જતું બન્યું છે. વલસાડના ફલધરા ગામના વતની અને ધરમપુરની શ્રી સાઇનાથ હોસ્પિટલના પેથોલોજીસ્ટ ડૉ. હેમંત પટેલે સેવા તથા વતન પ્રેમને શહેરના સ્થાને પોતાના ગામમાં એકપણ વૃક્ષ કાપ્યા વિના 7000 સ્કવેર ફૂટના વિશાળ ઘરમાં માત્ર કાટમાળના લાકડાનો રિયુઝ કરીને એક અનોખી પહેલ કરી છે. એકપણ વૃક્ષ નવા ઘર માટે કાપ્યો નથી. સામે તેમણે અને તેમની પત્ની ડૉ.નિતલ પટેલે ફલધરા ગામમાં જ જેટલું લાકડું વપરાયું એટલા જ વૃક્ષ વાવીને ઉછેરવાનો સંકલ્પ પણ કર્યો છે. તબીબ કહે છે વુડન હાઉસના સ્વપ્ન સાથે પ્રકૃતિને ધ્યાનમાં રાખી વૃક્ષ નહીં કાપવાનો વિચાર અલગ અલગ વિસ્તારમાંથી 40થી 60 વર્ષ જુના મકાનના લાકડા મેળવી અમલમાં મુક્યો છે. મકાનની દીવાલમાં દસ પક્ષીના માળા બનાવવાની સાથે સ્લેબ નહીં કરી નળિયા પ્રકારનું આયોજન કરી વર્ષો અગાઉની ઢબને જીવંત કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. નવનિર્મિત ઇકો ફ્રેંડલી ઘરમાં પ્રવેશની વિધિને તબીબે વતનના ગામ એવા ફલધરા માટેના અનોખા સેવાયજ્ઞ સાથે જોડી દીધું છે. ગામના એક તબીબ તરીકે તેમણે આ અનોખી પહેલ પોતાના ગામ માટે કરી છે. ગૃહપ્રવેશ જેવા એક પારિવારિક પ્રસંગને વતન, પર્યાવરણ અને સમાજ સાથે જોડીને આ પરિવારે એક અનોખી પહેલ કરી છે.