વડોદરા,ઘરેથી કોઇને કહ્યા વગર મોપેડ લઇને નીકળેલા ૧૪ વર્ષના કિશોરનું મોપેડ સ્લિપ થઇ જતા તે ડિવાઇડર સાથે અથડાતા તેનું કરૃણ મોત થયું હતું. જ્યારે તેના મિત્રને ઇજા થતા તેને સયાજીમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, આજવા રોડ પર રહેતી મહિલા શાકભાજીની લારી ચલાવે છે. તેઓ જન્મથી દિવ્યાંગ હોઇ થ્રી વ્હીલ વાળું મોપેડ ચલાવે છે. ગઇકાલે સાંજે પોણા આઠ વાગ્યે તેઓ ઘરે રસોઇ કરતા હતા.
તે દરમિયાન તેમનો ૧૪ વર્ષનો પુત્ર ઘરે કોઇને કહ્યા વગર ચાવીના સ્ટેન્ડમાંથી ચાવી લઇ મોપેડ લઇને આંટો મારવા નીકળ્યો હતો. કમલા નગર તળાવ પાસે તેનો મિત્ર મળી જતા તેને પણ મોપેડ પર બેસાડી આંટો મારીને આવીએ તેવું કહીને તેઓ નીકળ્યા હતા. આજવા રોડ શ્રી હરિ ટાઉનશિપ પાસે રિક્ષાને ઓવરટેક કરવા જતા મોપેડ સ્લિપ થઇ જતા તેની છાતીમાં ડિવાઇડર પર ફિટ કરેલી જાળી ઘુસી જતા ગંભીર ઇજા થઇ હતી. જ્યારે તેનો મિત્ર બેભાન થઇને રસ્તા પર પટકાયો હતો. બંને મિત્રોેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.