Delhi BJP Election Promise To Women| ચૂંટણીમાં વાયદાઓ કરવા અને મફતની રેવડીઓનો વિરોધ કરનાર ભાજપે હવે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી વાયદાઓની લાઈન લગાવી દીધી. તેમાંય મહિલાઓ માટે મહિને રૂા.2500ની સહાય આપવાનું વચન આપ્યુ હતું.
જોકે ભાજપના સંકલ્પપત્રએ ગુજરાતમાં રાજકીય પલીતો ચાંપ્યો છે કેમ કે, ગુજરાતમાં સહાયવાળી કોઇ વાત જ નહોતી કરાઈ. ભાજપશાસિત રાજ્યોમાં ભાજપ સરકાર જ મહિલાઓને ઢગલાબંધ સહાય કરી રહી છે પણ જે ગુજરાતમાં મહિલાઓ 30-30 વર્ષથી ખોબલેને ખોબલે મતો આપી રહી છે તે સહાય-લાભથી વંચિત છે.
ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીવાસીઓને વચન આપ્યું છે કે જો સરકાર રચાશે તો મહિલાઓને દર મહિને રૂ. 2500 અપાશે. આ ઉપરાંત ગેસ સિલિન્ડરમાં પણ રૂા.500ની રાહત આપવામાં આવશે. સગર્ભાને રૂા.21 હજાર આપવા અંગેપણ વાયદો કરાયો છે. મફત વિજળી અને પાણી આપવા ભાજપે વચન આપ્યું છે.
આ અગાઉ આ જ ભાજપ સરકારે છતીસગઢ, મહારાષ્ટ્રમાં પણ વચનોની લ્હાણી કરી હતી. ઘણાં ભાજપશાસિત રાજ્યોમાં ભાજપ સરકાર ચૂંટણી વચનો પાળી ખાસ કરીને મહિલાઓને લાભ આપી રહી છે. કોંગ્રેસની પૂર્વ ધારાસભ્યએ તો ગુજરાતની મહિલાઓને થતા અન્યાય મુદ્દે વડાપ્રધાનને પત્ર લખ્યો છે. દિલ્હીના ચૂંટણી ઢંઢેરા બાદ વિપક્ષોને તો ભાજપ સરકાર પર પ્રહારો કરવાનો મોકો મળ્યો છે.
એકને ગોળ, બીજાને ખોળ એ ભાજપની બેધારી નીતિ ખુલ્લી પડી છે. ગુજરાતમાં અત્યારે ચોરેને ચૌટે એક જ ચર્ચાં છે કે, ભાજપ સરકારને મત આપ્યાં એ જ ગુજરાતના મતદારોનો વાંક – ગુનો.. કારમી મોઁઘવારીમાં પ્રજા પિસાઇ રહી છે ત્યારે અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં ગેસ સિલિન્ડર કે વિજળીમાં કોઇ રાહત આપવામાં આવતી નથી.