Ahmedabad: દેશમાં વધતી જતી મોંઘવારી મધ્યમવર્ગથી માંડીને દરેકને નડી રહી છે. વધતી જતી મોંઘવારી સામે આવકમાં વધારો થઇ રહ્યો નથી જેના લીધે ઘર પરિવારનું ગુજરાન ચલાવવું એક મોટો પડકાર બની ગયો છે. જેમાં ખાસ કરીને શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ મોંઘીદાટ બની ગઇ છે. ત્યારે વાલીઓનો ખાનગી શાળા પ્રત્યેનો મોહભંગ થઇ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં દસ વર્ષના સમયમાં ખાનગી શાળા છોડીને 55,605 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તો બીજી તરફ વિવિધ વોર્ડમાં આવેલી 129 જેટલી મ્યુનિસિપલ શાળાઓને આ સમય દરમિયાન સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે.
ખાનગી શાળા છોડીને 55 હજાર વિદ્યાર્થીનો મ્યુનિ.શાળામાં પ્રવેશ
વર્ષ 2025-26માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 નવી શાળા બનાવવામાં આવશે. વર્ષ 2025-26ના રૂપિયા 1143 કરોડના ડ્રાફટ બજેટ પૈકી શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ માત્ર રૂપિયા 77.50 કરોડ જ ખર્ચ કરાશે. મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનું વર્ષ 2025-26 માટેનું રૂપિયા 1143 કરોડનું ડ્રાફટ બજેટ શાસનાધિકારી ડૉકટર લગધીર દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: શિક્ષણ સમિતિમાં વાલીઓને ઇન્વોલ્વ કરવા પહેલીવાર રાત્રી વાલી મીટીંગનો પ્રયોગ
શહેરના વિવિધ વોર્ડમાં 129 જેટલી સ્માર્ટ શાળા બનાવવામાં આવી
જો કે રૂપિયા 1042.5 કરોડ તો માત્ર પગાર અને પેન્શનની ચૂકવણી પાછળ જ ખર્ચ કરવામાં આવશે. શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ રૂપિયા 77.50 કરોડ ખર્ચ કરવામાં આવશે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓ માટે રાજય સરકાર ગ્રાન્ટેબલ ખર્ચના રૂપિયા 808 કરોડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન રૂપિયા 131 કરોડ આપશે. વર્ષ 2025 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શતાબ્દી વર્ષ છે.