પૂર્વ IAS પ્રદીપ શર્મા.
કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ACBમાં નોંધાયેલા કેસમાં દોષિત જાહેર કર્યા છે. તેમને નાણાકીય વ્યવહારની ઉચાપત મુદ્દે દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે ફ્રાન્સિસ સુએરા અને નટુ દેસાઈને કોર્ટે પૂરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યાં
.
પૂર્વ IAS શર્મા સામે નોંધાઈ ચૂક્યા છે અનેક કેસ ઉલ્લેખનીય છે કે પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં ગાંધીધામના ચુડવા ગામની રોડને અડીને આવેલી જમીન પરના કથિત દબાણને નિયમભંગ કરી નિયમિત કરી આપ્યા હોવાની સીઆઈડીમાં ફરિયાદ નોંધાઈ હતી. તો કચ્છમાં ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં જથ્થાબંધ બજારના નિર્માણ માટે ફાળવવામાં આવેલી જમીનમાં સરકારી નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદો બાદ અંજાર નજીક વેલસ્પન કંપનીને બજાર મૂલ્ય કરતાં ઓછાં દરે જમીન બિન ખેતી કરી આપવાનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ભુજની પાલારા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોન વાપરવા બદલ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કોણ છે પ્રદીપ શર્મા? કેમિસ્ટ્રીમાં સ્નાતક કરનારા પ્રદીપ શર્માએ ગુજરાત વહીવટી સેવાની પરીક્ષા પાસ કરી હતી અને વર્ષ 1981માં તેઓ ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. ત્યાર બાદ વર્ષ 1999માં IAS અધિકારી તરીકે તેને પ્રમોશન મળ્યું હતું. પોતાના કાર્યકાળમાં જામનગર, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર રહ્યા હતા. ત્યારબાદ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બન્યા.
લગભગ દોઢ દાયકાથી કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહેલા પ્રદીપ શર્માની ભુજમાં કલેક્ટર તરીકે જમીન ફળવવાના કેસમાં પહેલી વખત 6 જાન્યુઆરી 2010ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે તેઓ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર હતા. તેના 2 દિવસ બાદ 8 જાન્યુઆરી 2010ના રોજ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. વર્ષ 2008માં પહેલી વખત FIR બાદ શર્મા વિરુદ્ધ એક બાદ એક ઘણી FIR થઈ હતી.