અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી અમરનાથ કો-ઓપરેટિવ બેંકના મેનેજર સામે અઢી કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી છે. બેંકમાં ખાતેદારોની મોટી રકમ જમા હોય આરોપી દ્વારા અન્ય બેંક પાસેથી ઓવરડ્રાફ્ટ મેળવી પૈસાની હેરા
.
હર્ષદ મહેતાની માફક બેંકને ચૂનો લગાડી શેરબજારમાં ટ્રેડીંગ શરૂ કર્યું અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ રોડ ઉપર આભૂષણ કોમ્પ્લેક્સમાં આવેલી અમરનાથ કો-ઓપરેટીવ બેંકના કર્મચારીએ બેંકમાં RTGSની કરવાની થતી કામગીરી નહીં કરી અને પોતાના પર્સનલ અને અન્ય બેન્ક એકાઉન્ટમાં કુલ 2.50 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી હતી. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.આરોપીએ શેરબજારમાં રોકાણ કરવા માટે નાણાંની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.આરોપી બેંકના OD પોતાના ખાતામાં નાખતો હતો તેના દ્વારા એકાઉન્ટ મેનેજ કરીને શેરબજારમાં રોકાણ કરતો હતો.
શંકાસ્પદ એન્ટ્રીઓની તપાસ કરતા ભાંડો ફૂટ્યો નવરંગપુરા સ્ટેડિયમ રોડ ઉપર આવેલી અમરનાથ કો-ઓપરેટીવ બેંક આવેલી છે. જે સહકારી બેંક છે. નવેમ્બર 2024 માં બેંકમાં કેટલીક શંકાસ્પદ એન્ટ્રીઓ જોવા મળી હતી જે બાબતે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જાણ કરી હતી. આ એન્ટ્રી બાબતે કરંટ ઓડીટર પાસે ઓડિટ કરાવવામાં આવતા બેંકમાં કેટલીક એન્ટ્રીઓ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું હતું. બેંકમાં સિનિયર એક્ઝિક્યુટિવ મેનેજર તરીકે વિપુલ પટેલ (રહે. અભિષેક એપાર્ટમેન્ટ, નવાવાડજ) ફરજ બજાવતો હતો. વર્ષ 2013માં એક્ઝિક્યુટિવ તરીકે બેંકમાં નોકરી શરૂ કરી હતી. આ વિપુલ પટેલે તેના પર્સનલ અને અન્ય ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું હતું.
વિપુલ પટેલે ચાલાકી પૂર્વક ઉચાપત કરી ગેરકાયદેસર રીતે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને બેંકમાં આરટીજીએસ માટે કરવામાં આવતી કામગીરી નહીં કરી અને અલગ અલગ તારીખે રૂ. 2.50 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. બેંકના સોફ્ટવેરમાં તપાસ કરવામાં આવતા અલગ અલગ વ્યક્તિઓ પાસે તેણે એન્ટ્રી કરાવેલી હતી. બેંક કર્મચારી તરીકે વિપુલ પટેલને કોણ વ્યક્તિ કેવી રીતે એન્ટ્રી કરી શકે કોણ ચેક કરી શકે તે તમામ બાબતો અંગેની જાણ હોવાથી તેણે ચાલાકીપૂર્વક ઓટીપીથી લઈને તમામ બાબતો બેંકના ધ્યાને ન આવે તેમ મેળવી અને પોતાના અન્ય બેંક ખાતામાં રૂ. 2.50 કરોડ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હોવાને લઈ બેંકના કર્મચારીએ આ બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
દેવું ચૂકવવા માટે જ્યાં નોકરી હતી ત્યાં જ ઉચાપત કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી મેનેજર વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે.આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીને દેવું થયું હતું તે માટે તેને એટલી મોટી રકમની ઉચાપત કરી હતી.આરોપીએ 2.50 કરોડમાંથી 15 લાખની દેવું ચૂકતે કર્યું હતું અને બાકીની રકમની શેરબજારમાં રોકાણ કર્યું હતું. શેર બજારમાં પણ રોકાણ કરેલ રકમનું મોટું નુક્સાન થયું હતું.આરોપી ફ્યુચર પ્રિડીકટ એપમાં રોકાણ કરતો હતો.વિવિધ બેંકના ઓવર ડ્રાફ્ટ પોતાના ખાતામાં જમા કરતો હતો અને તેમાંથી એપમા રોકાણ કરતો હતો. બેંકમાંથી 15 થી 30 દિવસની ક્રેડિટ પણ મેળવી લેતો હતો. આરોપીએ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી શરૂ કરી હતી જે બાદ તે હમણાં એક્ઝિક્યુટિવ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો.
આરોપીની મોડસ ઓપરેન્ડી ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ વીંગના ડીવાયએસપી મનોજ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કો-ઓપરેટિવ બેંક દ્વારા અન્ય બેંકો પાસેથી ઓવરડ્રાફ્ટ લેવામાં આવતો હતો. આ ઓવરડ્રાફ્ટ આરોપી પોતાની બેંકમાં લઈ પોતાના ખાતામાં એન્ટ્રી પાડતો હતો. છ મહિનાના ગાળામાં આરોપી મેનેજરે એક ઓવરડ્રાફ્ટની એન્ટ્રી બીજા ખાતામાં, બીજા ઓવરડ્રાફ્ટની એન્ટ્રી અન્ય ખાતામાં પાડી બેલેન્સ સરભર કરતો હતો.