Assistant Manager Exam Under GPSC : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની તમામ ભરતીની પરીક્ષામાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કર્યા બાદ આન્સર કીમાં જણાતા વાંધા સૂચનો માટે અરજી કરવા ઉમેદવારોને પ્રશ્નદીઠ 100 રૂપિયા ફી ચૂકવવાનો આયોગ દ્વારા નિર્ણય કરાયો. આ મામલે હસમુખ પટેલના નિવેદન સામે ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે ગઈકાલે રવિવારે આયોગ દ્વારા લેવાયેલી આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થતાં પેપર સેટર અને GPSCના નિષ્ણાતો સામે અનેક પ્રશ્ન ઊભા થયા છે. જેમાં આયોગના કહેવાતા એક્સપર્ટ દ્વારા પરીક્ષા પેપરના 6 પ્રશ્નોના જવાબમાં ભૂલો છતી થઈ હોવાનો ઉમેદાવારોએ દાવો કર્યો છે.
આસિસ્ટન્ટ મેનેજરની પ્રોવિઝનલ આન્સર કીમાં 6 પ્રશ્નોના જવાબમાં ભૂલો
રાજ્યમાં GPSCના ચેરમેન હસમુખ પટેલ દ્વારા થોડા દિવસ પહેલા આયોગની તમામ પરીક્ષાની આન્સર કીમાં વાંધા સૂચનો માટે ઉમેદવારોએ અરજી કરવા માટે પ્રશ્નદીઠ 100 રૂપિયા ફી ભરવી પડશે તેવું નિવેદન આપ્યું હતું. જો કે, ત્યારબાદ આયોગના આ પ્રકારના નિર્ણય સામે GPSCની તૈયારી કરતા એસ્પીરન્ટોએ નકારાત્મક પ્રતિક્રિયા આપી હતી.
જ્યારે ગઈકાલે રવિવારે (19 જાન્યુઆરી)એ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL)ની આસિસ્ટન્ટ મેનેજર – ક્લાસ 3 ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા બાદ આજે સોમવારે તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થતાં, જેમાં કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબમાં આયોગ દ્વારા ભૂલો કરાઈ હોવાનું છતું થયું છે. જેમાં આયોગના કહેવાત એક્સપર્ટ દ્વારા ‘ગુજરાત રાજ્ય ક્યારે અસ્તિત્વમાં આવ્યું?’, ‘સુશાસન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?’ સહિતના 6 જેટલાં પ્રશ્નોના જવાબમાં GPSC પેપર સેટરોના લોચા જોવા મળ્યા હતા. પ્રોવિઝનલ આન્સર કી માટે અહી ક્લિક કરો.
સમગ્ર મામલે ઉમેદવારોએ રોષ વ્યક્ત કરતાં આયોગને અનેક સવાલો કર્યા. જેમાં કેટલાક ઉમેદાવારોએ જણાવ્યું કે, ‘GSCSCLની આસિસ્ટન્ટ મેનેજરની પ્રોવિઝનલ આન્સર કીમાં આયોગની ભૂલ સામે આવી છે. એટલે તેની વાંધા અરજી કરવા માટે ઉમેદવારને શું 100 રૂપિયા ભરવા પડશે? GPSCના કહેવાતા વિષય નિષ્ણાતોને ગુજરાતની સ્થાપના ક્યારે થઈ એ પણ નથી ખબર, તો એમને વિષય નિષ્ણાતો બનાવ્યા કોણે?. આમ આયોગની આવી ભૂલો છુપાવવા માટે ફી લેવામાં આવે છે કે શું? ત્યારે સવાલ થાય કે આમાં ભૂલ કોની અને ભોગવશે કોણ? જો સરકારને એવું લાગતું હોય કે વાંધા અરજી વધારે આવે છે, તો સરકારે ખરેખર યોગ્ય ગાઇડલાઈન આપવી જોઈએ. જેમાં ચોખવટ કરવી જોઈએ કે આટલા પુસ્તકો માન્ય રહેશે અને આટલા નહીં. એટલે રેફ્રન્સ પુસ્તક સરકાર નક્કી કરે.’
આ પણ વાંચો: મહેસુલ વિભાગના GAS કેડરના 31 અધિકારીઓની બદલી, ત્રણ અધિકારીઓને બઢતી
GPSC દ્વારા લેવાયેલી GSCSCLની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં ભૂલ સામે આવી છે. બીજી તરફ, વાંધા સૂચનો માટે 100 રૂપિયા ફી લેવાનો નિર્ણય કરાતાં આયોગની ભૂલ સામે ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઈને ઉમેદાવારોએ જણાવ્યું કે, આયોગે ઉમેદાવારો પાસેથી ફી ઉઘરાવાને બદલે જેમના કારણે ભૂલ થઈ છે અને જેમણે ભૂલભરેલી માહિતી પ્રદાન કરી છે તેમની પાસેથી જ દંડ વસુલવો જોઈએ તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.