અમદાવાદ,મંગળવાર,21 જાન્યુ,2025
રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંગે જાહેરાત કરવામાં આવી
છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર-૭ ઘાટલોડીયાની ખાલી પડેલી એક બેઠક
માટે પણ પેટા ચૂંટણી યોજાશે. આચાર સંહીતાના અમલના પગલે અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનના વર્ષ-૨૦૨૫-૨૬ માટેના અંદાજપત્રમાં વહીવટીતંત્ર કે સત્તાધારી પક્ષ
ઘાટલોડીયા વોર્ડ લક્ષી એક પણ જાહેરાત કરી શકશે નહીં. ૨૭ કે ૨૮ જાન્યુઆરીએ
મ્યુનિસિપલ કમિશનર ડ્રાફટ બજેટ રજૂ કરશે એવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.
અમદાવાદના વોર્ડ નં-૭ ઘાટલોડીયામાંથી ભાજપના ઉમેદવાર તરીકે
ચૂંટણી લડી કોર્પોરેટર બનેલા મનોજ પટેલ વિદેશમાં સ્થાયી થતા કોર્પોરેટર તરીકેથી
તેમણે રાજીનામુ આપતા તેમની બેઠક ખાલી પડી હતી. રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક
સ્વરાજયની સંસ્થાઓ માટે જાહેર કરવામા આવેલી ચૂંટણીમાં ઘાટલોડીયા વોર્ડની ખાલી
પડેલી બેઠક માટે પણ પેટા ચૂંટણી કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.આ પરિસ્થિતિની
વચ્ચે મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન ૨૭ કે ૨૮ જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ
કમિશનરનું ડ્રાફટ અંદાજપત્ર રજૂ કરશે એવી સંભાવના છે. ઘાટલોડીયા વોર્ડની
પેટાચૂંટણી જાહેર કરવામા આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામા આવનારા ડ્રાફટ
બજેટમાં કે સત્તાધારી પક્ષ દ્વારા સુધારા સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામા
આવનારા બજેટમાં ઘાટલોડીયા વોર્ડ લક્ષી કોઈ જાહેરાત હશે તો પણ તેને જાહેર કરી શકાશે
નહીં.વર્ષ-૨૦૨૪-૨૫ માટે મ્યુનિસિપલ કમિશનરે રુપિયા ૧૦૫૦૧ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ
કર્યુ હતુ.