ગુજરાત સરકાર દ્વારા ભણશે ગુજરાત હેઠળ ગરીબ વર્ગનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ સરળતાથી મળે તેના માટે પૂરતી સુવિધાઓ હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ રાજકોટ જેવા મહાનગરમાં કોર્પોરેશન સંચાલિત 93 સ્કૂલઓમાંથી 4 સ્કૂલની હાલત જર્જરીત છે. જેમાં સ્કૂલ નંબર 11નું
.
એટલું જ નહીં સ્કૂલ નંબર 99 વર્ષ 2008થી એક ભાડાના મકાનમાં ચાલે છે. જેમાં 1થી 5નાં 222 છાત્રોની વચ્ચે માત્ર 4 રૂમ અને 2 બાથરૂમ છે. તેમજ બિલ્ડિંગની હાલત પણ જર્જરીત છે. જ્યારે ભગવતીપરામાં હાલમાં જે આધુનિક હાઈસ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેની મંજૂરી મળી નહીં હોવાનું સામે આવ્યું છે. જેને લઇને આમાં ગુજરાત ક્યાંથી ભણશે જેવા સવાલો ઉઠી રહ્યા છે.
આધુનિક હાઈસ્કૂલનું લોકાર્પણ છતાં મંજૂરી ન મળી રાજકોટ મહાનગરપાલિકાનાં ગતવર્ષનાં બજેટમાં સ્કૂલ નંબર 1 અને 51નાં નવીનીકરણ માટે 2 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, નવું બજેટ જાહેર થવાને ગણતરીના દિવસો બાકી હોવા છતાં સ્કૂલ નંબર 1નું કામ પ્લાનિંગ લેવલે અને સ્કૂલ નં-51નું કામ એસ્ટીમેન્ટ બનાવવાના સ્ટેજ ઉપર છે. આ સિવાય સ્કૂલ નં. 11નું રિનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ રાજકોટનાં ભગવતીપરામાં અતિ આધુનિક હાઈસ્કૂલનું લોકાર્પણ સાંસદ પુરુષોત્તમ રૂપાલાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. જોકે, આ બિલ્ડિંગમાં હાઈસ્કૂલની મંજૂરી હજુ સુધી મળી નથી. જેને લઈને હવે નજીકમાં ચાલતી સ્કૂલ નં. 100 કપાતમાં આવતી હોવાથી તેના ધોરણ 1થી 5નાં વિદ્યાર્થીઓને નવી સ્કૂલમાં ટાન્સફર કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, હાઈસ્કૂલની મંજૂરી ક્યારે મળશે તે હાલ કહેવું મુશ્કેલ છે.
માત્ર 4 રૂમમાં 222 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા વર્ષ 2008થી કોઠારીયા રોડ પર ખોખડદડ નદી પાસે શિવધારા સોસાયટીમાં ચાલતી સ્કૂલ નંબર 99ની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં આ સ્કૂલમાં જેમાં માત્ર દસ બાય દસના પાંચ નાનકડા રૂમ અને તેમાં એક રૂમમાં પ્રિન્સિપાલની ઓફિસ હોવાનું જોવા મળ્યું હતું. અને માત્ર 4 રૂમમાં 222 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આ સ્કૂલનું બ્લેકબોર્ડ અત્યંત જર્જરિત છે જેના પર લખેલું વાંચવું પણ મૂશ્કેલ થાય તેમ છે. એટલું જ નહીં પ્રાથમિક રીતે જરૂરી કહી શકાય તેવા માત્ર 2 બાથરૂમ આ સ્કૂલમાં જોવા મળ્યા હતા. જેને કારણે રીસેસ પડે ત્યારે છાત્રો 15 મિનિટ સુધી લાઈનમાં ઉભા રહેવા મજબુર હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા.
વિપક્ષ નેતા વશરામ સાગઠિયા
નવી સ્કૂલ બનાવવાની રજૂઆત કરી પણ બનતી જ નથી આ અંગે વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલ નંબર 99 ભાડાનાં મકાનમાં ચાલે છે. 112 વાર જગ્યામાં ધો. 1થી 5નાં મળીને 222 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્કૂલમાં કુલ 5 રૂમ છે. જેમાંથી એક પ્રિન્સિપાલનો રૂમ બાદ કરીએ તો માત્ર 4 રૂમમાં અભ્યાસ કરવા બાળકો મજબુર છે. ત્યારે શિક્ષણની મોટી-મોટી વાતો કરતા ભાજપનાં મિત્રોને મારે કહેવું છે કે, છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારનાં બાળકો માટે નવી સ્કૂલ બનાવવાની રજૂઆત કરી છે, પણ બનતી જ નથી.
વિદ્યાર્થીને બેસવા બેંચની પણ કોઈ જ વ્યવસ્થા નથી ભાજપનાં શાસકોને મારે કહેવું છે કે, સ્કૂલની રૂબરૂમાં મુલાકાત લઈને જુએ કે ત્યાં બ્લેક બોર્ડની પરિસ્થિતિ કેવી ખરાબ છે. તેમાં બેસવા માટે બેંચની પણ કોઈ જ વ્યવસ્થા નથી. ફક્ત બે નાના બાથરૂમ છે. જેમાં પણ એક દીકરીઓ માટે અને એક દીકરાઓ માટે છે. રીસેસ પડે ત્યારે માત્ર બાથરૂમ જવાની લાઈનમાં ઉભા રહેવામાં જ બાળકોનો અડધો કલાક પસાર થઈ જાય છે. ત્યારે આ કેવો વિકાસ છે ? સમગ્ર મામલે તાજેતરમાં મળેલા જનરલ બોર્ડમાં પણ રજુઆત કરવામાં આવી ચૂકી છે. આમ છતાં ભાજપનાં શાસકો આવા સવાલોની ચર્ચા કરવા દેતા નથી.
રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પૂજારા
સ્કૂલ નંબર 11નું ટેન્ડર બહાર પાડી એજન્સી નક્કી કરાઈ રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પૂજારાએ જણાવ્યું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 93 સ્કૂલ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની 3 મળી કુલ 96 સ્કૂલ છે. અત્યારે એકમાત્ર સ્કૂલ નંબર 99 ભાડાનાં મકાનમાં છે. બાકીની તમામ સ્કૂલમાં કોર્પોરેશનનાં પોતાના બિલ્ડિંગ છે. તેમાં જ્યાં પણ 30-40 વર્ષ જૂનું બિલ્ડિંગ હોય તેનું તબક્કાવાર નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં 11 નંબર સ્કૂલનું ટેન્ડર પણ બહાર પાડી એજન્સી નક્કી કરવામાં આવી ચૂકી છે. તેમજ 51 નંબરની સ્કૂલની બજેટમાં જોગવાઈ થઈ હોવાથી કામગીરી ચાલુ છે. જ્યારે 1 નંબરની સ્કૂલ હેરિટેજ થીમ દ્વારા કરવાનું પણ બજેટમાં મંજૂર થયું હોય તેની પ્રક્રિયા ચાલી રહી છે.
64 નંબરની સ્કૂલનું રિનોવેશન કરવામાં આવશે આ ઉપરાંત સર્વ શિક્ષા અભિયાન હેઠળ 64 નંબરની સ્કૂલનું રિનોવેશન કરવામાં આવનાર છે. જેનું જૂનું બિલ્ડિંગ પાડવામાં આવ્યું છે અને કામગીરી આગળ વધી રહી છે. આ સિવાય પણ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચારેક સ્કૂલોનું નવીનીકરણ તેમજ જે સ્કૂલમાં રૂમની જરૂર હોય તેમાં નવા રૂમ બનાવવા સહિતના કામો હાલ ચાલી રહ્યા છે. છેવાડાનાં લોકોને સારું શિક્ષણ અને આરોગ્ય સેવાઓ મળી રહે તે ગુજરાત સરકારની નેમ છે. જેના ઉપર કોર્પોરેશન તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. અને વધુમાં વધુ બાળકો મનપા સંચાલિત સ્કૂલઓનો લાભ લે તેના માટે પ્રયાસ કરાઈ રહ્યા છે.
સ્કૂલના પ્લોટની ફાળવણી થઈ શકી નથી સ્કૂલ નંબર 99 અંગે જણાવતા તેમણે કહ્યું કે, હાલમાં જ મેં આ સ્કૂલની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યાં ઘણી અગવડતાઓ જોવા મળી છે. પરંતુ આ વિસ્તારમાં TP ફાઇનલ થઈ ન હોવાથી સ્કૂલ માટેના પ્લોટની ફાળવણી થઈ શકી નથી. જેના વિકલ્પ તરીકે ગઈકાલે જ સિટી એન્જિનિયર સાથે ખરાબા અંગે વાત કરવામાં આવી છે. તેઓ બે દિવસમાં બહારગામથી આવે એટલે આ અંગે વિગતો લઈ જરૂર પડયે કલેક્ટરને ખરાબાની જગ્યા આપવા રજૂઆત કરવામાં આવશે. તેમજ અન્ય ઝડપી વિકલ્પ તરીકે અન્ય સારું બિલ્ડિંગ ભાડે મળે તે માટેની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ સ્કૂલનું ભાડું હાલ 33,000 આપવામાં આવી રહ્યું છે. જે થોડું વધારે છે પણ અન્ય કોઈ વિકલ્પ ન હોય બાળકોનો અભ્યાસ ચાલુ રહે તે માટે આ ભાડું ચૂકવવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ભગવતીપરામાં નવી હાઈસ્કૂલ બનાવવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજકોટનાં પછાત વિસ્તાર ગણાતા ભગવતીપરામાં નવી હાઈસ્કૂલ પણ બનાવવામાં આવી છે. જેનું લોકાર્પણ કરાયું છે. અને નજીકમાં ચાલતી સ્કૂલ કપાતમાં આવતી હોવાથી ત્યાંના ધો. 1થી 5નાં બાળકોને નવી આધુનિક સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવનાર છે. જોકે અહીં હાઈસ્કૂલની મંજૂરી હજુ મળી નહીં હોવાથી હાલ હાઈસ્કૂલ શરૂ થઈ શકશે નહીં. પરંતુ આ મંજૂરી શક્ય તેટલી ઝડપથી મેળવી નવા સત્રથી હાઈસ્કૂલ પણ શરૂ કરવામાં આવશે. તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સાથે ભાજપના શાસકો શિક્ષણ માટે કોઈ બાંધછોડ નહીં કરતા હોવાનો દાવો કર્યો હતો.
સરકારની શિક્ષણ જાગૃતતાની વતોની પોલ ખોલે છે ઉલ્લેખનીય છે કે, 2008થી ભાડાનાં મકાનમાં ચાલતી અને કુલ 222 વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલ નંબર 99નાં દૃશ્યો ખરેખર સરકારની શિક્ષણ માટેની જાગૃતતાની વતોની પોલ ખોલે છે. જ્યારે ભગવતીપરા વિસ્તારમાં આધુનિક બિલ્ડિંગનું લોકાર્પણ થવા છતાં હાઈસ્કૂલની મંજૂરી નથી. તેમજ બજેટમાં બે સ્કૂલઓના રિનોવેશન માટે 2 કરોડની જોગવાઈ કરવામાં આવ્યાને એક વર્ષ પૂર્ણ થવા છતાં કામગીરી ટેન્ડર પ્રક્રિયા સુધી પહોંચી નથી, એટલું જ નહીં આવા સવાલોની ચર્ચા ક્યારેય જનરલ બોર્ડમાં કરવામાં આવતી નથી. ત્યારે ભાજપના શાસકો સરકારનાં ભણશે ગુજરાત સૂત્રને કેમ સાર્થક કરશે તે મોટો સવાલ છે.