મોરબી એલસીબી પોલીસે જુના સાદુળકા ગામ નજીક મોટા પેટ કોક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એબીસી મિનરલની બાજુમાં આવેલા પ્લોટમાં કરવામાં આવેલી રેડ દરમિયાન પોલીસે 1.09 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
.
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ઈમ્પોર્ટેડ પેટકોક સાથે હલકી ગુણવત્તાનો કોલસો મિક્સ કરીને મોટું કૌભાંડ ચલાવી રહ્યા હતા. આરોપીઓ ટ્રક ડ્રાઈવરો સાથે મળીને પેટકોક ચોરી કરતા હતા અને તેમાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળવી દેતા હતા.
એલસીબીએ સ્થળ પરથી 188 ટન ઈમ્પોર્ટેડ કોલસો (કિંમત 24.44 લાખ), 100 ટન મિક્સ કરેલો કોલસો (કિંમત 4 લાખ), 70 ટન હલકી ગુણવત્તાનો કોલસો (કિંમત 56,000) જપ્ત કર્યો છે. આ ઉપરાંત એક ટ્રક (કિંમત 40 લાખ), બે ટ્રેક્ટર લોડર (કિંમત 20 લાખ), એક હિટાચી મશીન (કિંમત 20 લાખ), એક બાઈક, પાંચ મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે.
પોલીસે નવઘણભાઈ બાલાસરા અને નિકુંજભાઈ રાજપરાના કબજાવાળા પ્લોટમાં રેડ કરી હતી, જ્યાં આ કૌભાંડ ચાલતું હતું. રેડ દરમિયાન બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હાલમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધાઇ છે તેમાં નવઘણભાઈ જસાભાઈ બાલાસરા. રહે નાની વાવડી સતનામ સોસાયટી ભૂમિ ટાવર પાસે મોરબી, નિકુંજભાઈ રાજપરા રહે. લીલાપર મોરબી, ટ્રક ટેલરનો ડ્રાઇવર તોફિકખાન અશરફખાન મલેક (24) રહે. વારાહી ગામ તાલુકો સાતલપુર પાટણ, હિટાચીનો ડ્રાઇવર અખિલેશકુમાર શ્રીધીરેન્દ્રભાઈ ગોડ (20) રહે. જીગનહી પરસોના મધુબની વોર્ડ નં-6 ચંપારણ બિહાર, મીઠાભાઈ વિઠ્ઠલભાઈ મીઠાપરા 39 રહે. આણંદપર દેવનગર રામાપીર મંદિર પાસે રાજકોટ, ઋત્વિક અમુભાઈ ખીમાણીયા (25) રહે. નાની વાવડી સતનામ સોસાયટી શેરી નં-1 મોરબી, લોડરનો ડ્રાઇવર રમેશ અનસીભાઈ વસુલિયા રહે. દુધી કલ્યાણપુર જિલ્લો જાંબુવા એમપી તથા લોડરનો ચાલક રાકેશ, ટ્રકનો માલિક જગજીતસિંહ રાણા રહે. ગાંધીધામ અને હરિભાઈ રહે. મોરબી વાળાનો સમાવેશ થાય છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.કલમ 303 (1), 316 (3)(4), 317 (1))2)(4), 381(3), 61, (2)(એ), 54 મુજબ ગુનો નોંધાયો છે અને આ ગુનામાં પોલીસે અત્યારે તોફિકખાન, અખિલેશકુમાર, મીઠાભાઈ અને ઋત્વિકભાઈ નામના ચાર આરોપીની ધરપકડ કરેલ છે અને જયારે રેડ કરી હતી ત્યારે પોલીસને જોઈને લોડરના બંને ડ્રાઇવરો સ્થળ ઉપરથી નાસી ગયા હતા જેથી કરીને પ્લોટના કબ્જા ભોગવટેદાર તેમજ ટ્રકના માલિક સહિત કુલ મળીને છ આરોપીઓને પકડવાના બાકી છે જેથી તેને પકડવા માટે થઈને હવે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને આ ગુનાની આગળની તપાસ મોરબી જિલ્લા એલસીબીના પીએસઆઇ બી.ડી. ભટ્ટ ચલાવી રહ્યા છે.